ઇસનપુર વિસ્તારમાં પાડોશીઓના ત્રાસથી કંટાળી વૃદ્ધાએ નોંધાવી FIR: પુત્રને ‘ગાંડો’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી

by Bansari Bhavsar

અમદાવાદ:

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલી ગોવિંદવાડી પાસેની આશિર્વાદ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો સામે માનસિક ત્રાસ આપવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. 75 વર્ષીય વૃદ્ધા દક્ષાબેન ભરતકુમાર પટેલે પોતાના જ પાડોશીઓ વિરુદ્ધ આ કાનૂની ફરિયાદ નોંધાવી છે.

​મળતી માહિતી મુજબ, 25 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજના સમયે આશિર્વાદ સોસાયટીના મકાન નંબર 10માં રહેતા આનંદ ભરતકુમાર રાવલ, અમીબેન આનંદભાઇ રાવલ, અમર ભરતભાઇ રાવલ અને ધ્વનીબેન અમરભાઇ રાવલ નામના પાડોશીઓએ એકસંપ થઈને ફરિયાદીના 37 વર્ષીય પુત્ર ઉર્વિશને ‘ગાંડો’ કહીને ચીડવવાનું શરૂ કર્યું હતું.

​ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી આનંદ રાવલે ફરિયાદીના ઘર પાસેથી પસાર થતી વખતે ઉર્વિશને ધમકી આપતા કહ્યું હતું કે, “તું 2024માં બચી ગયો હતો, પણ હવે બચીશ નહીં”. આ ઉપરાંત આરોપીઓ અવારનવાર ઘરની જાળીમાંથી ધીમે અવાજે જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા અને ચારિત્ર્ય પર આંગળી ઉઠાવી તેને ખોટી રીતે બદનામ કરતા હતા. પાડોશીઓના સતત માનસિક ત્રાસ અને ધમકીઓને કારણે યુવકની માનસિક સ્થિતિ વણસી ગઈ હતી અને તેને આત્મહત્યા કરવા સુધીના વિચારો આવવા લાગ્યા હતા.

​આ અંગે પ્રાથમિક અરજી તપાસ બાદ, ઇસનપુર પોલીસે તારીખ 02 ઓક્ટોબર 2026ના રોજ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર પિયુષ મહેન્દ્રભાઇ ગામીત ચલાવી રહ્યા છે.

Related Posts