અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (NBT) દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026માં શૈક્ષણિક સંસ્થાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓના સ્ટોલ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ બન્યા છે. આ ફેસ્ટિવલમાં IIT ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ (CCL) દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક રમકડાં, ગણિતીય પઝલ અને વિવિધ ગેમ્સનો વિશેષ સ્ટોલ રજૂ કરવામાં આવ્યો છે.
આ સ્ટોલનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીય જ્ઞાન પઝલ, રમકડાં અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ (Experiential Learning) દ્વારા સરળતાથી સમજાવવાનો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તકોના જટિલ વિષયોને સરળ રમકડાંમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.
સ્ટોલ પર રજૂ કરાયેલી મુખ્ય આકર્ષક પ્રવૃત્તિઓ:
‘T’ આકાર પઝલ: 10 ગ્રામના વજનવાળા વિવિધ ટુકડાઓને જોડીને ‘T’ આકાર બનાવવાની આ પઝલ દેખાવમાં સરળ લાગે છે, પરંતુ તેને ઉકેલવામાં વિદ્યાર્થીઓને અડધોથી એક કલાક જેટલો સમય લાગી શકે છે.
સ્ટ્રિંગ આર્ટ (String Art): 1 થી 100 સુધીના અંકોને દોરાથી ચોક્કસ ક્રમમાં જોડીને સુંદર આકારો બનાવવામાં આવે છે. દા.ત., બેના ઘડિયાને જોડવાથી ‘કાર્ડિયોઇડ’ (હૃદય આકારની પેટર્ન) બને છે. આના દ્વારા લ.સા.અ., ગુ.સા.અ., અવયવ અને ગણિતીય પેટર્ન સરળતાથી શીખવી શકાય છે.
વર્તુળ અને કેલેન્ડર પઝલ: સમાન ક્ષેત્રફળ અને પરિમિતિના ખ્યાલને સમજવા તેમજ ક્રમશઃ બમણી થતી ત્રિજ્યાવાળા 11 વર્તુળોને ગોઠવવાની પઝલ રજૂ કરવામાં આવી છે.
‘કુદમ સુધી’ ગેમ: ચેસના હાથીની ચાલની જેમ સીધી દિશામાં આગળ વધીને નંબર્સ પાર કરવાની આ ગેમ દ્વારા ‘ગ્રાફ થિયરી’નો અભ્યાસ મનોરંજક રીતે કરાવવામાં આવે છે.
બાળકોમાં ‘OTP’ અભિગમનો વિકાસ
IIT ગાંધીનગરના પ્રોફેસર મનીષ જૈન સાથે કાર્યરત ગૌતમ મકવાણાના જણાવ્યા અનુસાર, આ પ્રવૃત્તિઓ પાછળ બાળકોમાં મુખ્યત્વે ત્રણ ગુણો વિકસાવવાનો હેતુ છે:
O – Observation (અવલોકન શક્તિ): વસ્તુઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવું.
T – Thinking (વિચારવાની ક્ષમતા): પ્રશ્નો પૂછીને તર્ક દોડાવવો.
P – Perseverance (સતત પ્રયત્ન કરવાની વૃત્તિ): હાર્યા વગર ઉકેલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો.
ઉદાહરણ તરીકે, કોયલના મધુર અવાજ વિશેની સામાન્ય ગેરસમજ (માદા કોયલ ગાય છે તે માન્યતા) અને વાસ્તવિકતા (નર કોયલ ગાય છે) વચ્ચેનો ભેદ અવલોકન દ્વારા બાળકોમાં જિજ્ઞાસા જગાવે છે.
લાંબી રિસર્ચ અને ડિઝાઇન પ્રક્રિયા
કોઈપણ એક ગેમ કે પઝલને તૈયાર કરવા માટે તેને અંદાજે 20થી 30 વખત પરીક્ષણ (Testing)માંથી પસાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા પાછળ એકથી દોઢ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. કોમ્પ્યુટર સાયન્સના ઇન્ટર્ન વિદ્યાર્થીઓ પણ આ પ્રવૃત્તિઓની રચનામાં સહયોગ આપે છે.
1,000થી વધુ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું નિર્માણ
અમેરિકાથી પરત ફરેલા પ્રોફેસર મનીષ જૈન દ્વારા શરૂ કરાયેલું આ સેન્ટર અત્યાર સુધીમાં 1,000થી વધુ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિકસાવી ચૂક્યું છે. રસાયણશાસ્ત્રના પૃષ્ઠભૂમિ ધરાવતા ગૌતમ મકવાણા જેવા સંશોધકો મલ્ટિડિસિપ્લિનરી અભિગમ દ્વારા વિજ્ઞાન અને ગણિતને વિદ્યાર્થીઓ માટે અત્યંત સરળ અને રમતિયાળ બનાવી રહ્યા છે. બુક ફેસ્ટિવલની મુલાકાતે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ સ્ટોલ અત્યારે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.