રાજસ્થાનમાં ચોરીના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

by Bansari Bhavsar

અમદાવાદ:

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાજ્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને રાજસ્થાન રાજ્યના ચોરીના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. આ આરોપી વિરુદ્ધ કોટા કોર્ટ દ્વારા સી.આર.પી.સી.-૭૦ મુજબનું વોરંટ કાઢવામાં આવ્યું હતું.

​ગુનાહિત ઇતિહાસ ધરાવતો કુખ્યાત રીઢો ગુનેગાર

​અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ આરોપી બાબતે વર્કઆઉટ કરતા એવું સામે આવ્યું હતું કે, આ શખ્સ રાજસ્થાન, ગુજરાત તેમજ અન્ય અલગ-અલગ રાજ્યોમાં ચોરીના ગુનાઓ કરવાની આદત ધરાવતો રીઢો ગુનેગાર છે.

​ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો કે આરોપી છેલ્લા ૧૭ વર્ષથી રાજસ્થાન રાજ્ય ખાતે ચોરીનો ગુનો આચર્યા બાદ ગુજરાતમાં આવીને અમદાવાદ શહેરમાં અલગ-અલગ જગ્યાએ છુપાતો રહેતો હતો.

​વોચ ગોઠવીને ઝડપી પાડ્યો

​આ માહિતીના આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે તેના પર જરૂરી વોચ ગોઠવીને રાજસ્થાન રાજ્યના ચોરીના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આ આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પૂરી કરી તેને રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

​વિગતો:

​શોધાયેલ ગુનો: રાજસ્થાન રાજ્યના નયાપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૨૯/૨૦૦૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.

​પકડાયેલ આરોપી: પ્રહલાદ સ/ઓ ખીમજી ઇંદ્રેકર (બંગાળી) (ઉંમર વર્ષ ૬૫, હાલ રહે. ફ્લેટ કોલોની, પાણીની ટાંકી પાસે, છારાનગર, કુબેરનગર, અમદાવાદ શહેર).

​ગુનાહિત ઇતિહાસ: અગાઉ મહેસાણા જિલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં લૂંટના તેમજ અમદાવાદ શહેરના સરદારનગર, શાહીબાગ અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં પકડાયેલ હતો.

Related Posts