અમદાવાદ, ૨૭ નવેમ્બર ૨૦૨૬:
અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા તેમજ વહીવટી સુગમતાના હેતુસર મોટા પાયે આંતરિક ફેરબદલ કરવામાં આવ્યા છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અલગ-અલગ આદેશો જારી કરીને શહેરના ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને ૪ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) ની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરવામાં આવી છે.
આ બદલીના દોરમાં શહેરના મહત્વના પોલીસ સ્ટેશનો ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) અને આર્થિક ગુના નિવારણ શાખા (EOW) જેવી વિશેષ એજન્સીઓના અધિકારીઓની પણ ફેરબદલ કરવામાં આવી છે.
મહત્વના PI ની બદલીની મુખ્ય વિગતો:
બી. પી. સાવલિયા: ખોખરા પોલીસ સ્ટેશનથી સાયબર ક્રાઇમ ખાતે નિમણૂક.
એસ. એ. કોટડીયા: નરોડા-૨ થી ખોખરા પોલીસ સ્ટેશન ખાતે બદલી.
ડી. બી. બસીયા: EOW (આર્થિક ગુના નિવારણ શાખા) થી કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે મુકાયા.
એચ. આર. વાઘેલા: કાલુપુર પોલીસ સ્ટેશનથી EOW ખાતે બદલી.
આર. જી. સિન્ધુ: EOW થી ક્રાઇમ બ્રાન્ચ ખાતે નિમણૂક.
કે. કે. ડીંડોર: EOW થી ક્રાઇમ બ્રાન્ચ ખાતે બદલી.
વી. એચ. જોષી: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનથી SOG ખાતે મુકાયા.
જે. કે. રાઠોડ: SC/ST સેલ-૨ થી કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે બદલી.
પોલીસ કમિશનરના આદેશ મુજબ, બદલી પામેલા તમામ અધિકારીઓને તેમની હાલની ફરજના સ્થળેથી તાત્કાલિક અસરથી છૂટા થઈને નવી નિમણૂકની જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે. એકસાથે મોટી સંખ્યામાં PI અને PSI ની બદલી થતા શહેર પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.