‘નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી’ અભિયાન હેઠળ નરોડા પોલીસે કાર્યવાહી કરીને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી ગાંજા સહિત કુલ ₹૭૫,૦૮૧નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઘટનાની વિગત
યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા તેમજ નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર પર રોક લગાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૨), નાયબ પોલીસ કમિશનર (ઝોન-૪) અને મદદનીશ પોલીસ કમિશનર (‘જી’ ડિવિઝન) દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ નરોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
નરોડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. કોટડીયા તથા NDPS સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એસ. કુંપાવત અને સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે એક શખ્સ ગાંજો લઈને નરોડાના પાયલનગર સ્થિત માધવ ગાર્ડન પાસે આવવાનો છે. આ બાતમીના આધારે પંચોને સાથે રાખી વોચ ગોઠવવામાં આવી હતી.
આરોપી અને કબ્જે કરેલ મુદ્દામાલ
બાતમી મુજબના શખ્સને માધવ ગાર્ડન પાસેથી અટકાવી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જય (સ/ઓ નીમેશકુમાર કાંતીલાલ જાની, ઉંમર ૨૨ વર્ષ, ધંધો- મજૂરી, રહે. મકાન નં. ૧૫, પ્રભુપાલ સોસાયટી, પાયલનગર, નરોડા, અમદાવાદ) જણાવ્યું હતું. પંચોની હાજરીમાં તેની અંગઝડતી દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો:
ગાંજો: નેટ વજન ૧.૫૨ ગ્રામ (કિંમત ₹૮૧)
મોબાઈલ ફોન: ઓપો કંપનીનો ૧ નંગ (કિંમત ₹૫,૦૦૦)
ટુ-વ્હીલર: હોન્ડા કંપનીનું કાળા રંગનું, નંબર પ્લેટ વગરનું એક્ટિવા ૧ નંગ (કિંમત ₹૭૦,૦૦૦)
કુલ મુદ્દામાલ: ₹૭૫,૦૮૧
કાયદેસરની કાર્યવાહી
આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૫૨૫૦૭૯૧/૨૦૨૫ હેઠળ NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ) અને ૨૯ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ઉપરાંત એક અજાણ્યા શખ્સ તથા તપાસમાં ખુલે તે તમામને વોન્ટેડ દર્શાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.