ગુજરાત એટીએસનો સપાટો: બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ, અનેક આરોપીઓની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: ગુજરાત એટીએસ દ્વારા એક મોટા ઓપરેશનમાં રાજ્યમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એટીએસના અધિકારીઓએ બાતમીના આધારે કાર્યવાહી કરીને અનેક આરોપીઓની ધરપકડ કરી છે અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

ગુજરાતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એટીએસને રાજ્યમાં સંગઠિત ગુનાઓ પર ચાંપતી નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સૂચનાના પગલે એટીએસ નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને માહિતી મળી હતી કે વિશાલ પંડ્યા, ધ્વનિત મહેતા, અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા, શેલાભાઈ ભરવાડ અને મુકેશ બાંભ સહિતના કેટલાક લોકોએ હરિયાણાના નુહમાં બંદૂકની દુકાનો ધરાવતા શૌકતઅલી, ફારૂકઅલી, સોહીમઅલી અને આસિફ સાથે મળીને મણિપુર અને નાગાલેન્ડ રાજ્યોના બોગસ હથિયાર લાયસન્સ બનાવ્યા હતા. આરોપીઓએ આ લાયસન્સનો ઉપયોગ કરીને હથિયારો ખરીદ્યા હતા અને અન્ય લોકોને પણ ગેરકાયદેસર રીતે હથિયારો મેળવવામાં મદદ કરી હતી.

એટીએસ દ્વારા આ મામલે 7 એપ્રિલ, 2025ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આર્મ્સ એક્ટ હેઠળ દાખલ થયેલા આ ગુનામાં સેલાભાઈ વેલાભાઈ બોળીયા, વિશાલ મુકેશભાઈ પંડ્યા, અર્જુન લાખુભાઈ અલગોતર, ધૈર્ય હેમંતભાઈ ઝરીવાલા, સદ્દામ હુસૈન, બ્રિજેશ ઉર્ફે બિટ્ટુ મહેતા અને મુકેશ રણછોડભાઈ બાંભાની ધરપકડ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન, આ કૌભાંડમાં 49 લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાંથી એટીએસે 10 એપ્રિલ, 2025ના રોજ 16 આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અનિલ ગૌરિશંકર રાવલ, અરજણ વિહા ભરવાડ, ભરત રામા ભરવાડ, દેહુલ રાજુ ભરવાડ, દેહુર બચુ ભોકરવા, જનક બલુ પટેલ, જય શાંતિલાલ પટેલ, જગદિશ રેવા ભુવા, લાખા રઘુ ભરવાડ, મનીષ રમેશ રૈયાણી, નિતેશ ભાયા મીર, રમેશ ભોજા ભરવાડ, રિશિ ઉમેશભાઈ દેસાઈ, સમીર ભિખુ ગધેથરિયા, વિરાજ જોગા ભરવાડ અને વિરમ સોંડા ભરવાડનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 8 રિવોલ્વર, 2 પિસ્તોલ, 5 બાર બોરની બંદૂકો અને 489 જીવતા કારતૂસ સહિત મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા છે. એટીએસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હજુ સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. એટીએસને આ કેસમાં હજુ વધુ હથિયારો મળી આવવાની શક્યતા છે અને સમગ્ર મામલે ગહન તપાસ ચલાવી રહી છે.

આરોપીઓ અને તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલી રકમની વિગતો નીચે મુજબ છે:

* અનિલ ગૌરિશંકર રાવલ: રૂ. 4,50,000/-

* અરજણ વિહા ભરવાડ: રૂ. 3,20,000/-

* ભરત રામા ભરવાડ: રૂ. 3,50,000/-

* દેહુલ રાજુ ભરવાડ: રૂ. 7,00,000/-

* દેહુર બચુ ભોકરવા: રૂ. 9,00,000/-

* જનક બલુ પટેલ: રૂ. 10,10,000/-

* જય શાંતિલાલ પટેલ: રૂ. 9,00,000/-

* જગદિશ રેવા ભુવા: રૂ. 8,50,000/-

* લાખા રઘુ ભરવાડ: રૂ. 3,50,000/-

* મનીષ રમેશ રૈયાણી: રૂ. 10,00,000/-

* નિતેશ ભાયા મીર: રૂ. 50,000/-

* રમેશ ભોજા ભરવાડ: રૂ. 0/-

* રિશિ ઉમેશભાઈ દેસાઈ: રૂ. 7,00,000/-

* સમીર ગધેથરિયા: રૂ. 4,50,000/-

* વિરાજ જોગા ભરવાડ: રૂ. 4,50,000/-

* વિરમ સોંડા ભરવાડ: રૂ. 3,00,000/-

આ ઘટનાએ રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના નેટવર્ક અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે અને એટીએસ દ્વારા આ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related Posts