અમદાવાદ: નરોડામાં જૂની અદાવતમાં યુવકની ધોકા-લાકડીઓ મારી ક્રૂર હત્યા, ૨ આરોપીઓની ઓળખ થઈ

by Bansari Bhavsar

અમદાવાદના નરોડા વિસ્તારમાં વહેલી સવારે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. નરોડાના આંબેડકરનગર પાસે આવેલા કર્મવીર હાઉસિંગ (દહેગામ પ્રધાનમંત્રી આવાસ યોજના) બહાર ૩ થી ૪ અજાણ્યા શખ્સોએ એક યુવક પર લાકડીઓ અને ધોકા વડે અમાનુષી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી દીધી છે.

​લોહીલુહાણ હાલતમાં ફૂટપાથ પરથી લાશ મળી

​સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે જ્યારે આસપાસના લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે એક યુવકને લોહીલુહાણ હાલતમાં ફૂટપાથ પર પડેલો જોયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક નરોડા પોલીસને ઘટના અંગે માહિતગાર કરી હતી.

​મૃતકની ઓળખ થઈ

​પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ જતીન સોલંકી તરીકે થઈ છે, જે નરોડાની સુમતિનાથ સોસાયટીમાં રહેતો હતો. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

​બે આરોપીઓની ઓળખ, ધરપકડના ચક્રો ગતિમાન

​ઘટનાની માહિતી મળતા જ નરોડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં નરોડાના જ ૩ થી ૪ સ્થાનિક શખ્સોએ અંગત અદાવતમાં આ હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

​નરોડા પોલીસે આ મામલે ૨ આરોપીઓની ઓળખ કરી લીધી છે. હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સઘન શોધોખોળ હાથ ધરવામાં આવી છે અને તેમને વહેલી તકે જેલહવાલે કરવાની તજવીજ ચાલી રહી છે.

Related Posts