“સાબરમતી છેતરપિંડી: રાજસ્થાનની ‘બાવરી ગેંગ’ ઝડપાઈ, નકલી સોનાના નામે લાખોની ઠગાઈનો પર્દાફાશ”

by Bansari Bhavsar

અમદાવાદ, [૨૮ જુલાઈ, ૨૦૨૫] – અમદાવાદ શહેરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-૨ એ લોકોને સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી કરતી રાજસ્થાનની કુખ્યાત “બાવરી ગેંગ” નો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ ગેંગ વેપારીઓને ખોદકામ દરમિયાન સોનાનો જથ્થો મળ્યો હોવાનું જણાવી, પહેલા એક અસલી સોનાનો મણકો આપી વિશ્વાસ કેળવતી હતી. બાદમાં, તેઓ પિત્તળના નકલી મણકાની માળા આપી મોટી રોકડ રકમ પડાવી લેતા હતા. સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂ. ૯,૦૦,૦૦૦/- ની છેતરપિંડીના એક વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

પકડાયેલા આરોપીઓમાં ગંગારામ ચમનાજી મુંગીયા વાઘરી, બાબુલાલ ભલારામ દોલાજી વાઘેલા અને પન્નારામ ભીમાજી ડાભીનો સમાવેશ થાય છે, જેઓ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના વતની છે. તેમની પાસેથી નકલી સોનાના મણકા, રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં આ ગેંગ દ્વારા સુરત, બનાસકાંઠાના ધાનેરા અને મહેસાણાના ઊંઝા ખાતે પણ સમાન પ્રકારની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે, જેમાં લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. આ કાર્યવાહી નાયબ પોલીસ કમિશનર શ્રી ભરતકુમાર રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-૨ દ્વારા કરવામાં આવી છે.

Related Posts