અમદાવાદ, ૦૮ જાન્યુઆરી ૨૦૨૬: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પાલડી વિસ્તારમાં થયેલી ચેઈન સ્નેચિંગની ઘટનામાં સંડોવાયેલા અને અત્યાર સુધી પોલીસને થાપ આપી રહેલા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે.
શું હતી ઘટના?
આશરે ૨૦ દિવસ પહેલા પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે એક દંપતી ટુ-વ્હિલર પર જઈ રહ્યું હતું. આ સમયે લૂંટારુઓએ તે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. આ કેસમાં અગાઉ ઇબ્રાહિમ ઉર્ફે ગાંડી કાદરભાઇ મેમણ (રહે. દાણીલીમડા) પકડાઈ ચૂક્યો છે.
વોન્ટેડ આરોપી જમાલપુરથી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી અને ઇબ્રાહિમનો મિત્ર ભાવેશ વિનોદભાઇ ડાભી (ઉંમર ૨૩ વર્ષ) જમાલપુર ચાર રસ્તા પાસે બ્રિજ નીચે ઉભો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ભાવેશને ઝડપી પાડ્યો હતો.
આરોપીની વિગત:
નામ: ભાવેશ વિનોદભાઇ ડાભી (ઉં.વ. ૨૩)
રહેઠાણ: ગણેશનગરના છાપરા, પીપળજ પીરાણા રોડ, નારોલ, અમદાવાદ
ધંધો: ડ્રાઇવીંગ
પોલીસ કાર્યવાહી
પકડાયેલ આરોપી ભાવેશ વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૪(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પાલડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.