ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ઉત્તર પ્રદેશમાં ચાલતી ડ્રગ્સ ફેક્ટરી ઝડપી પાડી, કરોડોનું મેફેડ્રોન જપ્ત

આંબેડકરનગરમાં રેઈડ કરી 6 કિલો મેફેડ્રોન અને 200 કિલો રો મટિરિયલ કબજે કર્યું

by Bansari Bhavsar

અમદાવાદ:

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ નશાના સોદાગરો વિરુદ્ધ એક મોટી સફળતા હાંસલ કરી છે. અમદાવાદના દાણીલીમડાથી શરૂ થયેલી એક નાની તપાસ છેક ઉત્તર પ્રદેશ સુધી પહોંચી હતી, જ્યાં એટીએસની ટીમે એક કાર્યરત મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે.

​તપાસનો દોર: અમદાવાદથી UP સુધી

​આ સમગ્ર ઓપરેશનની શરૂઆત ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ થઈ હતી જ્યારે દાણીલીમડા વિસ્તારમાંથી ૪.૬ ગ્રામ મેફેડ્રોન સાથે એક શખ્સ ઝડપાયો હતો. આ કેસમાં પકડાયેલા શફાતઅહેમદ ઉર્ફે ચાંદ, સોહીલ ઉર્ફે ભુરા મીર્ઝા અને ફરહાન પઠાણની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ ડ્રગ્સનો જથ્થો ઉત્તર પ્રદેશથી સપ્લાય થઈ રહ્યો હતો.

​૧૨ દિવસનું ગુપ્ત ઓપરેશન

​ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ATSને માહિતી મળી હતી કે યુપીના આંબેડકરનગરમાં પંકજ અને કપિલ નામના શખ્સો ગેરકાયદેસર લેબ ચલાવી રહ્યા છે. એટીએસની ટીમે સતત ૧૨ દિવસ સુધી ગુપ્ત દેખરેખ રાખી હતી અને યોગ્ય સમય મળતા જ ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી રામનગર કરૈ ગામમાં રેડ કરી હતી.

​ફેક્ટરીમાંથી મળ્યો મોટો જથ્થો

​એક પતરાના શેડમાં ચાલતી આ ડ્રગ્સ ફેક્ટરીમાંથી પોલીસને નીચે મુજબના પ્રતિબંધિત પદાર્થો મળી આવ્યા છે:

​૬ કિલો તૈયાર મેફેડ્રોન ડ્રગ્સ

​૫૦ કિલો લિક્વિડ મેફેડ્રોન

​૮૮ કિલો પ્રતિબંધિત કેમિકલ

​આશરે ૨૦૦ કિલો કાચો માલ (Raw Material)

​મુખ્ય આરોપીઓ જેલના સળિયા પાછળ

​આ રેડ દરમિયાન ફેક્ટરી ચલાવનાર મુખ્ય સૂત્રધાર કપિલદેવ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓના નેટવર્ક પર મોટો પ્રહાર થયો હોવાનું માનવામાં આવે છે.

 

Related Posts