અમદાવાદ એરપોર્ટ પર સોનાના પાર્સલની ચોરીનો પર્દાફાશ: ૮ આરોપીઓની ધરપકડ, ૧.૭૨ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ પરથી સોનાના દાગીનાનું પાર્સલ ચોરી થવાના કિસ્સામાં એરપોર્ટ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ૮ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી લાખો રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧,૭૨,૦૪,૮૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

**શું હતી સમગ્ર ઘટના?**

તારીખ ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ સિક્વલ લોજિસ્ટિક કંપનીને ટાઇટન કંપની તરફથી સોનાના દાગીનાનું પાર્સલ મળ્યું હતું, જેનું વજન આશરે ૧૩ કિ.ગ્રા હતું અને તેમાં ૨.૧૦૭ કિ.ગ્રા સોનાના દાગીના હતા. જેની અંદાજિત કિંમત ૨,૫૮,૧૦,૭૬૪/- રૂપિયા હતી. આ પાર્સલ ૧૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ વહેલી સવારે આકાશા એર કંપની દ્વારા બેંગલોર મોકલવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ તે બેંગલોર એરપોર્ટ પર પહોંચ્યું ન હતું અને કંપની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

**ઓપરેશન અને આરોપીઓની ધરપકડ**

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.ડી. ચાવડા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસના પરિણામે પોલીસે કુલ ૮ આરોપીઓની ધરપકડ કરી છે.

**ઝડપાયેલા મુખ્ય આરોપીઓ:**

* **સાલેમોહમદ અંસારી:** પેસેન્જર બનીને બેગમાંથી સોનું લેનાર.

* **કદલીપભાઈ પટેલ:** આરોપીની ટિકિટ કરાવનાર.

* **રોશનકુમાર પટેલ અને ઝૈદ અંસારી:** આકાશા એર કંપનીના કર્મચારીઓ અને પ્લાન બનાવનાર.

* **સુલ્તાન સમા:** મુખ્ય પ્લાન બનાવનાર.

* **રવિકાન્ત બગીયા, કિરણ પવાર અને શંકર વાક્ષે:** સોનું વેચનાર અને ખરીદનાર સોની.

**મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની રીત)**

આરોપીઓએ ગુનાહિત કાવતરું ઘડીને ટાઇટન કંપનીનું સોનું ચોરી કરવાની યોજના બનાવી હતી. આ પ્લાન મુજબ સાલેમ અંસારીને પેસેન્જર બનાવી મોકલવામાં આવ્યો હતો અને એરપોર્ટ પર કર્મચારીઓની મદદથી બેગમાં રહેલું સોનું મેળવી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સોનું પિગળાવીને સોનીઓને વેચી દેવામાં આવ્યું હતું અને તેમાંથી મળેલા નાણાંની વહેંચણી કરવામાં આવી હતી.

**જપ્ત કરાયેલ મુદ્દામાલ:**

પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કર્યો છે:

* રોકડ રૂપિયા: ૬૯,૨૪,૮૦૦/-

* સોનાની રણીઓ અને લગડી તેમજ ચાંદીનું બિસ્કિટ મળી કુલ ૧,૦૨,૮૦,૦૦૦/- ની કિંમતનો માલ

* કુલ રિકવરી: ૧,૭૨,૦૪,૮૦૦/- રૂપિયા

આ કેસમાં હજુ ૪ આરોપીઓ ફરાર છે, જેમની શોધખોળ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. એરપોર્ટ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે.

 

Related Posts