અમદાવાદ: અમદાવાદ શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનની ટીમે પાર્સલની આડમાં ચોરીછુપીથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવનાર એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે।
શું છે સમગ્ર મામલો?
ગોમતીપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના સ્ટાફને બાતમી મળી હતી કે, ગોમતીપુર રાયપુર મિલ ચાર રસ્તા પાસે આવેલ શ્રીજી એસ્ટેટની ‘તુલસી લોજીસ્ટિક્સ’ નામની દુકાન/ગોડાઉનમાં કેટલાક ઈસમોએ પાર્સલ દ્વારા વિદેશી દારૂ મંગાવ્યો છે અને તે સગેવગે થાય તેવી સંભાવના છે।
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરતા, જયપુરથી આવેલા કુલ ૧૩૦ પાર્સલોની તપાસ કરવામાં આવી હતી। તેમાંથી બે પાર્સલોમાં તપાસ દરમિયાન અલગ-અલગ બ્રાન્ડની કુલ ૩૮૪ નંગ શિલબંધ ક્વાર્ટર બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત ૬૭,૨૦૦ રૂપિયા થાય છે।
આરોપી અને મુદ્દામાલની વિગત
પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી ધવલ મનોજભાઈ લક્ષ્મીચંદ રાઠોડ (છારા)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી સાણંદના તેલાવ ગામનો રહેવાસી છે।
પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં નીચે મુજબનો દારૂનો જથ્થો સામેલ છે:
Magic Moments Jamun Spicy Mint Vodka (180 ml): કુલ ૧૯૨ બોટલ
Royal Challenge Premium Deluxe Whisky (180 ml): કુલ ૧૯૨ બોટલ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
ધરપકડ કરાયેલ આરોપી ધવલ રાઠોડ સામે અગાઉ પણ આનંદ નગર પોલીસ સ્ટેશન અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે।
આ સમગ્ર કામગીરી ગોમતીપુર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એસ.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી।