અમદાવાદમાં ડુપ્લીકેટ વસ્તુઓનો કારોબાર: ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં ૧૫ લાખથી વધુનો નકલી સામાન ઝડપાયો!

સીગારેટથી લઈને મસાલા સુધી... સાવધાન! અમદાવાદમાં પકડાયું નકલી પ્રોડક્ટ્સનું વિશાળ નેટવર્ક.

by Bansari Bhavsar

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે નકલી વસ્તુઓ વેચતી એક ગેંગનો પર્દાફાશ કરી ૩ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સોલા વિસ્તારમાં ડુપ્લીકેટ સિગારેટ અને અન્ય ઘર વપરાશની ચીજવસ્તુઓ વેચી રહ્યા હતા.

### ઘટનાની વિગત

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના ચાંદલોડિયા વિસ્તારના કેટલાક લોકો નકલી સિગારેટનું વેચાણ કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને તપાસ કરી હતી. ગઈકાલે, તા. ૨૩ મે ૨૦૨૬ ના રોજ સોલા ભાગવત વિદ્યાપીઠ સામેથી પોલીસે એક કારમાંથી ૩ આરોપીઓને નકલી સિગારેટ અને અન્ય નકલી પ્રોડક્ટ્સ સાથે પકડી પાડ્યા હતા.

પ્રાથમિક તપાસમાં પોલીસને કારમાંથી ગોલ્ડ ફ્લેક, માલબરો સિગારેટ, અમૂલ ઘી, વાઘ બકરી ચા, ફેવીક્વિક અને એવરેસ્ટ મસાલા જેવી અનેક બ્રાન્ડની નકલી વસ્તુઓ મળી આવી હતી.

### ગોડાઉનમાંથી મોટો જથ્થો ઝડપાયો

પકડાયેલા આરોપી સુજીત પોદારની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે આ નકલી માલ ગોતા રેલ્વે બ્રીજ પાસે આવેલા તેના બે ગોડાઉનમાં રાખતો હતો. પોલીસે તરત જ કાર્યવાહી કરી આ ગોડાઉન પર દરોડા પાડ્યા હતા, જ્યાંથી ૧૫ લાખ રૂપિયાથી વધુની કિંમતની ડુપ્લીકેટ સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ **૨૦,૨૬,૪૦૨/- રૂપિયાનો** મુદ્દામાલ કબજે કર્યો છે.

### ઝડપાયેલા આરોપીઓ

૧. **અરુણકુમાર રાકેશભાઈ ગુપ્તા** (ઉ.વ. ૩૬)

૨. **સચીન રાકેશભાઈ ગુપ્તા** (ઉ.વ. ૩૮)

૩. **સુજીત રાજારામ પોદાર** (ઉ.વ. ૩૦)

પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ નકલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન ક્યાં અને કોના દ્વારા કરવામાં આવે છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે

 

Related Posts