અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ દેવરાજ મોલના ટેરેસ પરથી એ.સી.ના આઉટડોરમાંથી તાંબાની પાઈપો ચોરી કરનાર ટોળકીને બાપુનગર પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા બે યુવકો અને એક કિશોરને કુલ ૯૫ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવી છે.
શું હતી ઘટના?
બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, દેવરાજ મોલના ટેરેસ પર રાખવામાં આવેલા એ.સી.ના આઉટડોરમાંથી તાંબાની પાઈપો તોડીને ચોરી કરવામાં આવી છે. આ ચોરી અંગે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસની સક્રિય કાર્યવાહી
બાપુનગર પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.બી. ચૌહાણ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. અનામગ પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ અને હિતેશભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે નીચે મુજબના આરોપીઓને ઝડપી પાડ્યા છે:
૧. રાહુલ નરેશભાઈ ચાવડા (ઉ.વ. ૨૧, રહે. શાસ્ત્રી નગર, બાપુનગર)
૨. અમિત પ્રવીણભાઈ પટણી (ઉ.વ. ૨૦, રહે. મણકોલ, અમદાવાદ)
૩. એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર
જપ્ત કરાયેલ મુદ્દામાલ
પોલીસે આરોપીઓ પાસેથી ૧૭૦ ફૂટ લાંબી, આશરે ૧૫.૪૦૦ કિલોગ્રામ વજનની ચોરાયેલી તાંબાની પાઈપો (કિંમત રૂ. ૫૦,૦૦૦) અને ચોરીમાં વપરાયેલ એક્ટિવા (કિંમત રૂ. ૪૫,૦૦૦) મળીને કુલ ૯૫,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ પ્રશંસનીય કામગીરીમાં પો.સબ.ઇન્સ. એમ.બી. ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ, કનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. હાલમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.