રાજ્યમાં ગેરકાયદેસર દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લાના રાપર તાલુકાના ગાગોદર ગામ પાસે આવેલી ‘જય ગોગા રાજસ્થાની હોટલ’ના પાર્કિંગમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
SMC ની રેડ દરમિયાન હોટલના પાર્કિંગમાંથી ભારતીય બનાવોટના દારૂ/બિયરની આશરે ૫૦૦ પેટીઓ (કુલ ૧૩,૫૦૦ બોટલ) મળી આવી હતી, જેની કિંમત ₹૪૮,૩૫,૭૩૬/- થાય છે. આ ઉપરાંત વાહન સહિત કુલ ₹૭૮,૫૭,૬૬૬/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
સ્થળ પરથી ૨ આરોપી ઝડપાયા, ૩ વોન્ટેડ
આ દરોડા દરમિયાન પોલીસે રાજસ્થાનના રહેવાસી ડ્રાઈવર શ્રવણકુમાર મેઘવાલ અને ક્લીનર ચેનારામ જાટની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના સાંચોરનો નારાયણરામ જાટ, જથ્થો મંગાવનાર અને ટ્રક માલિક સહિત ૩ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ મામલે ગાગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.