ગોંડલના મોવૈયા રોડ પરથી રૂ. ૬.૧૦ લાખના વિદેશી દારૂ અને કાર સાથે એલ.સી.બી.નો દરોડો: બે આરોપી ફરાર

by Bansari Bhavsar

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે ગોંડલ શહેર વિસ્તારમાં મોવૈયા રોડ પરથી બિનવારસી હાલતમાં મુકેલી બ્રેઝા કારમાંથી રૂ. ૧,૧૦,૮૮૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂ. ૬,૧૦,૮૮૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ દારૂ-જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત LCB ની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આટકોટ તરફથી ગોંડલ તરફ આવી રહેલી સફેદ કલરની મારુતિ બ્રેઝા કાર (રજી. નં. GJ-03-MR-3195) ને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

​પોલીસને જોઇ કાર ચાલકે વાહન ઊભું રાખવાને બદલે મોવૈયા રોડ તરફ ભગાડ્યું હતું. LCB ટીમે કારનો પીછો કરતાં સહારા પંપ બાજુમાં આવેલ શેરીમાં શુભ સિમેન્ટ પાસે બે ઇસમો કાર રેઢી મૂકીને અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટ્યા હતા.

​કબ્જે કરેલ મુદ્દામાલ:

​ઇંગ્લીશ દારૂ: ૧૮૦ એમ.એલ.ની સીલપેક ૬૭૨ બોટલો (કિંમત રૂ. ૧,૧૦,૮૮૦)

​વાહન: મારુતિ બ્રેઝા કાર (કિંમત રૂ. ૫,૦૦,૦૦૦)

​કુલ મુદ્દામાલ: રૂ. ૬,૧૦,૮૮૦

​આરોપીઓની ઓળખ અને ગુનાહિત ઇતિહાસ:

પોલીસ તપાસમાં કારમાંથી દારૂની હેરાફેરી કરનાર ગોંડલ નિવાસી દેવાંગભાઇ રમણીકભાઇ પરમાર અને એક અજાણ્યો ઇસમ હોવાનું સામે આવ્યું છે. આરોપી દેવાંગ પરમાર સામે અગાઉ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મારામારી અને અહમદાબાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત તથા ઠગાઇના ગુના નોંધાયેલા છે.

​આ કામગીરી LCB PI જે.પી. રાવ, PSI કે.એમ. ચાવડા, H.C. ગોહિલ, R.V. ભીમાણી, P.N. ભરવાડ તથા સ્ટાફના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા છે.

Related Posts