દેવભૂમિ દ્વારકા:
દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લોવરારી ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ બાવળની ઝાડીઓમાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે સફળ દરોડો પાડી મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલીપ્ત રાય (રાજકોટ વિભાગ), દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયરાજસિંહ વાળા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાની સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે દ્વારકા પો.સ્ટે.ના પી.આઈ. એમ.જી. જાડેજા તથા પી.એસ.આઈ. આર.એલ. ચોપડાની કાળજી હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન એ.એસ.આઈ. રાણાભાઈ વસાવા અને હરપાલસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે લોવરારી ગામની સીમમાં રેડ પાડવામાં આવી હતી.
પોલીસે જપ્ત કરેલ મુદ્દામાલ:
દેશી દારૂ: ૫૦ લીટર (કિંમત ₹૧૦,૦૦૦)
કાચો આથો: ૨૦૦ લીટર (કિંમત ₹૫,૦૦૦)
બળેલ ગરમ આથો: ૨૦ લીટર (કિંમત ₹૫૦૦)
અન્ય સાધન (નળી): ૧ નંગ (કિંમત ₹૫૦૦)
કુલ મુદ્દામાલ: ₹૧૬,૦૦૦
આરોપીઓની વિગત:
૧. કારૂભા ઉર્ફે કારાભા આલાભા માણેક (રહે. લોવરારી, તા. દ્વારકા) – ધડપકડ કરાઈ
૨. જોધાભા જસરાજભા માણેક (રહે. લોવરારી, તા. દ્વારકા) – ફરાર (શોધખોળ ચાલુ)
આ મામલે એ.એસ.આઈ. હરપાલસિંહ ઝાલાએ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે દ્વારકા પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.