અસલાલી પોલીસે ગુનાખોરી અને દારૂ-જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા બ્રેઝા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ. ૧૧,૩૫,૫૭૨/-નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે વોચ ગોઠવી દરોડો
પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ દરમિયાન સર્વલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારુતિ સુઝુકી બ્રેઝા ગાડી (નંબર GJ-16-CH-7773) માં પરપ્રાંતીય વિદેશી દારૂ ભરીને અસલાલી સર્કલથી ખેડા તરફ જઈ રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ગાડીને આંતરી લીધી હતી.
કુલ રૂ. ૧૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત
ગાડીની તલાશી લેતા તેમાંથી રૂ. ૪,૩૨,૦૭૨/- ની કિંમતની વિદેશી દારૂની ૨૯૭૬ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ. ૭,૦૦,૦૦૦/- ની કિંમતની બ્રેઝા કાર, એક મોબાઈલ ફોન (રૂ. ૩,૦૦૦/-) અને રૂ. ૫૦૦/- રોકડા મળી કુલ રૂ. ૧૧,૩૫,૫૭૨/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પકડાયેલ આરોપીઓ:
૧. તેજારામ વાલારામ પ્રજાપતિ (ઉં.વ. ૨૬, ધંધો: મજુરી, રહે: આરવા, તા. ચિતલવાના, જી. જાલોર)
૨. રમેશકુમાર નગારામ જાટ (ઉં.વ. ૨૧, ધંધો: મજુરી, રહે: આરવા, તા. ચિતલવાના, જી. જાલોર)
વોન્ટેડ આરોપી:
રાજુરામ બિશ્નોઈ (રહે. ચિતલવાના, જી. જાલોર – માલ ભરી આપનાર)
અસલાલી પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. અને સર્વલન્સ ટીમના માર્ગદર્શન હેઠળ હાથ ધરી છે.