સાણંદ (અમદાવાદ ગ્રામ્ય):
સાણંદ GIDC પોલીસ સ્ટેશનની ટીમે ગુનાખોરી અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા કુંડળ ગામની સીમમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયર ટીનનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ૧૬૮ બોટલ મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝાડી-ઝાંકરામાં સંતાડેલો દારૂનો જથ્થો પકડાયો
પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ (અમદાવાદ વિભાગ), પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ (અમદાવાદ ગ્રામ્ય) અને નાયબ પોલીસ અધિક્ષક નિલમ ગોસ્વામી (સાણંદ વિભાગ) ના માર્ગદર્શન હેઠળ સાણંદ GIDC પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. દેસાઈ અને તેમની ટીમે વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
દરમિયાન, કોન્સ્ટેબલ હરપાલસિંહ અને ઇન્દ્રજીતસિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે ફ્લેમિંગો રિસોર્ટની પાછળ આવેલ ઝાડી-ઝાંકરામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો ગોકુલપુરા ગામના વિપુલ વિષ્ણુભાઈ પટેલ અને મેલાસણા ગામના વિપુલ હરિભાઈ પટેલ વેચાણ અર્થે લેવા આવવાના છે.
મુદ્દામાલ અને ધરપકડ
બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરીને આરોપીઓને વિદેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસને દારૂ તથા બીયરની કુલ ૧૬૮ બોટલો (કિંમત ₹૪૯,૫૧૮) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹૫,૦૦૦) મળીને કુલ ₹૫૪,૫૧૮ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પકડાયેલ આરોપીઓ:
૧. વિપુલભાઈ વિષ્ણુભાઈ પટેલ (ઉં.વ. ૨૪, રહે. કાલરીયાવાસ, ગોકુલપુરા ગામ, તા. સાણંદ)
૨. વિપુલભાઈ હરીભાઈ પટેલ (ઉં.વ. ૨૦, રહે. કામઠીયાવાસ, મેલાસણા ગામ, તા. સાણંદ)
પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ સાણંદ GIDC પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.