અમદાવાદ: ખોખરામાં મહિલાને ચાકુ બતાવી સોનાની ચેઇન લૂંટનાર બે શખ્સો ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે ઝડપાયા

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે પોલીસ કમિશનરની સૂચના મુજબ ખોખરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખોખરાની મણીયાસા મહાલક્ષ્મી સોસાયટી પાસે એક સરાજાહેર લૂંટનો બનાવ સામે આવ્યો હતો.

​રસ્તા પરથી પસાર થઈ રહેલા એક મહિલાને નંબર વગરના એકસેસ ટુ-વ્હીલર પર આવેલા બે ઈસમોએ આંતર્યા હતા. તેઓએ મહિલાને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેમના ગળામાંથી આશરે ૧૨ ગ્રામ વજનની સોનાની ચેઇન તોડીને ફરાર થઈ ગયા હતા.

​બનાવની જાણ થતાં જ નજીકમાં પેટ્રોલીંગ કરી રહેલી ખોખરા પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પરથી જ બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગણતરીના સમયમાં જ લૂંટાયેલા મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ઉકેલ લાવ્યો છે.

​પોલીસ તપાસમાં પકડાયેલ મુખ્ય આરોપી શ્રીકાન્ત ઉર્ફે સીરીયો મનોજભાઇ રાણાભાઇ (છારા) હોવાનું ખુલ્યું છે, જે અગાઉ હત્યા, લૂંટ, અને સશસ્ત્ર હુમલા જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંકળાયેલો કુખ્યાત ગુનેગાર છે. તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની પણ અટકાયત કરવામાં આવી છે. ખોખરા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts