સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ ગેરકાયદેસર કૉલ સેન્ટરો ચલાવીને અમેરિકી નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા આંતરરાષ્ટ્રીય સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.
CBI એ આ મામલે 08 સપ્ટેમ્બર 2026 ના રોજ આરોપી અને અન્ય અજ્ઞાત શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, વર્ષ 2024 થી ગુજરાતના અમદાવાદ ખાતેથી ગેરકાયદેસર કૉલ સેન્ટરો દ્વારા આ મોટા પાયાનું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું.
કેવી રીતે આચરવામાં આવતી છેતરપિંડી?
આરોપીઓ પોતાના અજ્ઞાત સાગરીતો સાથે મળીને ક્રિમિનલ કોન્સ્પિરેસી (ગુનાહિત ષડયંત્ર) રચીને પોતાને અમેરિકાની વિવિધ ફેડરલ એજન્સીઓ જેવી કે:
ફ્રેડરલ ટ્રેડ કમિશન (FTC)
યુએસ એટર્ની (US Attorney)
ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી (CISA)
ના અધિકારીઓ તરીકે ઓળખાવતા હતા. તેઓ VoIP (વોઈસ ઓવર આઈપી) કોલ્સ દ્વારા અમેરિકી નાગરિકોનો સંપર્ક કરતા હતા.
પીડિતોને ડરાવવામાં આવતા હતા કે તેમના કમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી એક્સેસ કરવા માટે થયો છે અને તેમની ઓળખનો ગેરઉપયોગ થયો છે. ત્યારબાદ આરોપીઓ પીડિતોને બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા, સોનું ખરીદવા અને યુએસએ (USA) માં તેમના દ્વારા ગોઠવવામાં આવેલા કુરિયર વ્યક્તિઓને તે સોંપવા માટે મજબૂર કરતા હતા. આ રીતે સિન્ડિકેટે યુએસ નાગરિકો પાસેથી 7.21 મિલિયન યુએસ ડૉલર (અંદાજે ₹60 કરોડથી વધુ) થી વધુની રકમ પડાવી લીધી હતી.
ડિજિટલ પુરાવા જપ્ત, તપાસ ચાલુ
કેસ દાખલ કર્યા બાદ CBI એ અમદાવાદમાં આરોપીઓ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોએ દરોડા પાડીને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે.
ગેરકાયદેસર કૉલ સેન્ટરની સ્થાપના અને કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મુખ્ય આરોપીની 23 સપ્ટેમ્બર 2026 ના રોજ ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા આ કેસમાં આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે.