AMC સ્ટેન્ડિંગ કમિટીના મોટા નિર્ણયો: ગોતા બ્રિજ દરખાસ્ત પરત, વગર પરમિશને ચાલતા 30 ફટાકડા એકમો સીલ અને તહેવારોમાં રાત્રિ ચેકિંગના આદેશ

by Bansari Bhavsar

​અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેનશ્રી કમલેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, ટ્રાફિક વ્યવસ્થાપન, તહેવારો નિમિત્તે જાહેર આરોગ્ય અને સુરક્ષા સહિતના વિવિધ જનહિતના મુદ્દાઓ પર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

​1. જનતાનગર ઓવરબ્રિજ દરખાસ્ત પરત: ટ્રાફિક મેનેજમેન્ટનો અભ્યાસ કરાશે

​દેશવ્યાપી “ફાટકમુક્ત અભિયાન” અંતર્ગત ગોતા વોર્ડમાં આવેલા જનતાનગર ખાતે ઓવરબ્રિજ નિર્માણ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી.

​સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, બ્રિજના નિર્માણ પહેલાં વિસ્તારમાં વૈકલ્પિક ટ્રાફિક મેનેજમેન્ટ, જંક્શન ઈમ્પ્રુવમેન્ટ, વન-વે સિસ્ટમ અને સિગ્નલ ઓપ્ટીમાઈજેશન જેવા વિકલ્પોનું યોગ્ય મૂલ્યાંકન કરવા આદેશ આપવામાં આવ્યો છે. જરૂરી તમામ વિગતો એકત્રિત કર્યા બાદ આ દરખાસ્ત કમિટી સમક્ષ ફરીથી રજૂ કરવામાં આવશે.

​2. તહેવારો દરમિયાન ખાણી-પીણીના બજારોમાં રાત્રિ ચેકિંગ

​આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે હેલ્થ વિભાગને સઘન ચેકિંગ કરવા નિર્દેશ આપ્યા છે.

​રાત્રિ તપાસ: દિવસ દરમિયાન થતા ચેકિંગ ઉપરાંત રાત્રિના સમયે ધમધમતા ખાણી-પીણીના બજારોમાં સઘન તપાસ કરાશે.

​નિયમોનું પાલન: રસ્તાઓ પર ઊભા થતા સ્ટોલ અને બજારોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સુરક્ષાના નિયમોનું કડકપણે પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે.

​3. ગેરકાયદે ફટાકડાના 30 એકમો સીલ: મંજૂરીઓની ચકાસણી

​દિવાળી નિમિત્તે ફટાકડાના વેપાર માટે જરૂરી તમામ પરવાનગીઓ હોવી અનિવાર્ય કરવામાં આવી છે.

​અનિવાર્ય મંજૂરીઓ: AMCની BU પરમિશન, ફાયર વિભાગની નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અને પોલીસ વિભાગની મંજૂરી વિના ફટાકડાનો વેપાર કરી શકાશે નહીં.

​કડક કાર્યવાહી: જરૂરી મંજૂરીઓ વિના ચાલતા 30 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. રાયપુર અને કાલુપુર જેવા વિસ્તારોમાં નિયમોના ઉલ્લંઘન સામે પગલાં લેવાયા છે.

​દિલ્હી દરવાજા વિસ્તારની તપાસ: કોર્પોરેશન દ્વારા ભાડે આપવામાં આવેલી જગ્યાઓમાં BU પરમિશન છે કે નહીં અને જગ્યાઓ પેટાભાડે (sub-letting) આપવામાં આવી છે કે કેમ, તેનો તપાસ અહેવાલ 2 દિવસમાં રજૂ કરવાનો આદેશ અપાયો છે.

​4. 23 જુલાઈના ભારે વરસાદના નુકસાન સહાય અંગે 75 અરજીઓ

​ગત 23 જુલાઈ 2026ના રોજ શહેરમાં પડેલા અતિભારે વરસાદથી થયેલા નુકસાન અંગે રાહત સહાય મેળવવા માટે 30 સપ્ટેમ્બર સુધીની મુદતમાં કુલ 75 અરજીઓ મળી છે. મામલતદાર અને સંબંધિત અધિકારીઓ દ્વારા આ અરજીઓ અને રજૂ કરાયેલા પુરાવાઓની ચકાસણી ચાલી રહી છે, જેના પૂર્ણ થયે યોગ્ય Relief/સહાય અંગે આખરી નિર્ણય લેવાશે.

​5. સી.જી. રોડ સ્માર્ટ પાર્કિંગથી એક સપ્તાહમાં ₹36,000ની આવક

​અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે સી.જી. રોડ પર શરૂ કરાયેલા સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટમાંથી ગત સપ્તાહ દરમિયાન ₹36,000ની આવક નોંધાઈ છે.

​ઓનલાઈન પાર્કિંગ અને પેમેન્ટ પદ્ધતિથી અજાણ નાગરિકો દ્વારા અસ્તવ્યસ્ત વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવાનું ધ્યાને આવ્યું છે. આથી, પાર્કિંગ સ્થળોની આસપાસ નાગરિકોની સરળતા માટે માર્ગદર્શક અને સૂચનાત્મક બોર્ડ લગાવવા સંબંધિત વિભાગને સૂચના આપી દેવામાં આવી છે.

Related Posts