AMC ફૂડ વિભાગની લાલ આંખ: ઘી, તેલ અને પનીરના ૨૨ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ, ૯૩૦૦ કિલો જથ્થો સસ્પેન્ડ કરાયો

by Bansari Bhavsar

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૬ માસ દરમિયાન શહેરમાં શુદ્ધ, સલામત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. Food Safety and Standards Act, 2006 હેઠળ કરવામાં આવેલી આ કામગીરીમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.

​સપ્ટેમ્બર માસની કામગીરીના મુખ્ય આંકડા:

​કુલ નમૂનાઓ: શહેરમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના ૫૧૨ સેમ્પલ લેવામાં આવ્યા.

​અપ્રમાણિત (સબસ્ટાન્ડર્ડ) સેમ્પલ: લેબોરેટરી તપાસ બાદ ૨૨ નમૂનાઓ ધોરણસરના ન હોવાનું જાહેર થયું.

​જપ્ત/સ્થગિત જથ્થો: ૯,૩૩૪ કિલોગ્રામ ખાદ્ય સામગ્રી (જેની અંદાજિત કિંમત ₹૨૧,૬૪,૩૫૭/- છે) સ્થગિત કરવામાં આવી.

​સીલ કરાયેલા એકમો: ગંદકી, વિના લાયસન્સે વેપાર કે ભેળસેળ બદલ ૨૮ એકમોને સીલ/ક્લોઝ કરવામાં આવ્યા.

​દંડ અને નોટિસ: નિયમોનો ભંગ કરનારા એકમો પાસેથી ₹૧૨,૭૮,૩૦૦/- નો દંડ વસૂલ કરાયો અને ૪૦૪ એકમોને નોટિસ આપવામાં આવી.

​અયોગ્ય ખોરાકનો નાશ: માનવ આરોગ્ય માટે અયોગ્ય એવા ૧,૮૫૩ કિલોગ્રામ/લીટર જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો.

​અપ્રમાણિત જાહેર થયેલા મુખ્ય ખાદ્ય પદાર્થો

​લેબોરેટરી ચકાસણીમાં વિવિધ ઝોનમાંથી લેવાયેલા ઘી, તેલ, ચીલી સોસ, પનીર અને ચટણી સહિતના નમૂનાઓ ફેલ થયા છે. જેમાં ખાસ કરીને:

​દેશી અને ગાયનું ઘી: ‘ગોપીશ્રી’, ‘શ્રી અમૃત’, ‘KT KRISHNA’, ‘Khusali’ અને ‘પ્રસંગ’ બ્રાન્ડના ગાયના ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ સાબિત થયા.

​ડેરી પ્રોડક્ટ્સ: ઘાટલોડિયા સ્થિત મધુર ડેરી પાર્લરનું મીડિયમ ફેટ પનીર તેમજ શિવમ ડેરીનું લો ફેટ પનીર અપ્રમાણિત મળ્યું.

​તેલ અને સોસ: ઇસનપુરના રાજસ્થાન દાળવડા સેન્ટરમાંથી રી-યુઝ્ડ કૂકિંગ ઓઈલ તથા એમ.એસ. ફૂડ પ્રોડક્ટ્સ (વટવા)માંથી ચીલી સોસ, સોયા સોસ અને ફ્રુટ સ્કવોશના નમૂના ફેલ થયા.

​કાર્યવાહી હેઠળ સીલ કરાયેલા મુખ્ય વેપારીઓ

​અસ્વચ્છતા, લાયસન્સનો અભાવ કે પ્રતિબંધિત કેમિકલના ઉપયોગ બદલ કાર્યવાહી કરાયેલી મુખ્ય પેઢીઓ:

​એમ.એમ. ફૂડ પ્રોડક્ટ્સ (વટવા): લાયસન્સ વગર અને અત્યંત ગંદકી હોવાથી.

​શ્રી માતેશ્વરી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ (વેજલપુર): નમકીનમાં પ્રતિબંધિત સિન્થેટીક કલરનો ઉપયોગ કરવા બદલ.

​રાજસ્થાન દાળવડા સેન્ટર (ઇસનપુર): બળેલા તેલનો વારંવાર ઉપયોગ કરવા બદલ.

​શાંતિનાથ જૈન ગૃહ ઉદ્યોગ (રાણીપ): એક્સપાયરી ડેટવાળો માલ રાખવા બદલ.

​અન્ય એકમો: બોમ્બે બિરયાની (નવરંગપુરા), રોયલ ડેરી (કાલુપુર), સનરાઇઝ લીવિંગ PG (આશ્રમ રોડ) તથા દુધેશ્વર અને વટવા રોડ પર આવેલી મટન-ચિકનની વિવિધ દુકાનો અસ્વચ્છતા બદલ સીલ કરાઈ.

​રામસન્સ ઘીનો જથ્થો રિલીઝ કરાયો:

માધુપુરા સ્થિત આદર્શ ટ્રેડિંગ કંપનીમાંથી લેવાયેલ ‘રામસન્સ દેશી ઘી’નો સેમ્પલ રિપોર્ટ પાસ (Conforming) આવતા અગાઉ સ્થગિત કરાયેલો સીલ કરેલો જથ્થો મુક્ત કરવામાં આવ્યો છે.

 

​AMC ફૂડ વિભાગની અપીલ

​AMC ફૂડ વિભાગે શહેરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs)ને તાકીદ કરી છે કે તેઓ પોતાના એકમ પર સ્વચ્છતા જાળવે, ગુણવત્તાયુક્ત કાચા માલનો જ ઉપયોગ કરે અને FSSAI લાયસન્સની તમામ શરતોનું પાલન કરે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ સઘન તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

Related Posts