અમદાવાદ: શેરબજારમાં રોકાણના નામે ₹૬૭.૯૨ લાખની છેતરપિંડી, દુબઈ બેંક ખાતા મોકલનાર ગેંગના ૪ સભ્યો ઝડપાયા

by Bansari Bhavsar

​અમદાવાદ:

શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નાગરિકો સાથે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરતી અને દુબઈ સુધી બેંક ખાતા સપ્લાય કરતી આંતરરાષ્ટ્રીય લિંક ધરાવતી ગેંગનો અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઈમે આ કૌભાંડમાં સંડોવાયેલા ૪ આરોપીઓની વડોદરા અને અમદાવાદથી ધરપકડ કરી છે.

​રૂ. ૬૭.૯૨ લાખની ઠગાઈ કેવી રીતે આચરવામાં આવી?

​ફરિયાદીને જુદા જુદા વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરી ‘Julius Baer’ કંપનીની JB X One નામની એપ્લિકેશન મારફતે રોકાણ કરવાથી કોઈ બ્રોકરેજ ચાર્જ નહીં લાગે તેવી લાલચ આપવામાં આવી હતી. કંપની SEBI માં રજિસ્ટર્ડ છે તેવું બતાવવા માટે SEBIના લોગો અને સહી-સિક્કાવાળા બનાવટી સર્ટિફિકેટ્સ મોકલવામાં આવ્યા હતા. ફરિયાદી પાસે આ એપ્લિકેશનમાં રૂ. ૪૭,૧૪,૦૦૦નું રોકાણ કરાવવામાં આવ્યું હતું.

​ત્યારબાદ ICICI Securities માંથી અંજુ ગર્ગ તરીકેની ઓળખ આપીને દરરોજ ૫% થી ૨૦% નફો મેળવવાની લાલચ આપી ID-QSB નામની અન્ય એક વેબ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રૂ. ૨૦,૭૮,૦૦૦ રોકાણ કરાવ્યા હતા. વેબ એપ્લિકેશનમાં રૂ. ૭૪,૩૨,૭૦૭ નો નફો બતાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે ફરિયાદીએ નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ૨૦% શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અને ૪% એજ્યુકેશન સેસ ભરવાનું કહી કુલ રૂ. ૬૭,૯૨,૦૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી.

​ઝડપાયેલા આરોપીઓ:

​૧. ઈરફાન ઈમ્તિયાઝઅલી શેખ (ઉં.વ. ૪૧, રહે. બાવમનપુરા, પાણીગેટ, વડોદરા)

૨. સોહેબ યાસીનભાઈ જોજાવરવાલા (ઉં.વ. ૩૭, રહે. ગોરવા, વડોદરા / મૂળ જમાલપુર, અમદાવાદ)

૩. શેહઝાદ રફીકભાઈ અજમેરવાલા (ઉં.વ. ૩૫, રહે. જમાલપુર, અમદાવાદ)

૪. ઈસ્તિયાક યુસુફભાઈ રીયાવાલા (ઉં.વ. ૩૮, રહે. આસ્ટોડિયા દરવાજા પાસે, અમદાવાદ)

​આરોપીઓની ગુનાહિત ભૂમિકા (Modus Operandi):

​ઈરફાન શેખ: કમિશન મેળવીને પોતાનું બેંક ખાતું સોહેબને વાપરવા આપતો હતો.

​સોહેબ જોજાવરવાલા: પોતાના અને અન્ય લોકોના ૫ થી વધુ બેંક ખાતાઓ શેહઝાદને આપી કમિશન મેળવતો હતો.

​શેહઝાદ અજમેરવાલા: બેંક ખાતા ધારકોને શોધી, ખાતા મેળવીને કમિશન લઈને મુખ્ય આરોપી ઈસ્તિયાકને પૂરા પાડતો હતો.

​ઈસ્તિયાક રીયાવાલા (મુખ્ય સૂત્રધાર): શેહઝાદ પાસેથી મેળવેલા બેંક ખાતાઓ અને તેની કિટ્સ દુબઈમાં બેઠેલા સહ-આરોપીઓને મોકલી કમિશન મેળવતો હતો.

​૫૦ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન અને દેશભરમાં ૮૦ થી વધુ ફરિયાદો

​પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી ઈસ્તિયાક પાસેથી ૩૦ થી વધુ બેંક ખાતાઓની કિટ્સ મળી આવી છે. આ એકાઉન્ટ્સને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર ચેક કરતા દેશના ૧૫ થી વધુ રાજ્યોમાં ૮૦ થી વધુ સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું અને આ ખાતાઓમાં રૂ. ૫૦ કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઈમ બ્રાંચ હાલ આ સમગ્ર નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક આગળની તપાસ ચલાવી રહી છે.

Related Posts