અમદાવાદ:
ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની “Kanad S.H.I.E.L.D. 2026” સાયબર સિક્યુરિટી હેકાથોનનું i-Hub ગુજરાત (KCG કેમ્પસ) ખાતે સફળતાપૂર્વક સમાપન થયું છે. અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ, i-Hub Gujarat, કર્ણાવતી યુનિવર્સિટી તથા ટેકનોલોજી પાર્ટનર્સ TCS અને Google ના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો.
દેશભરમાંથી યુવા ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ્સનો ધસારો
આ હેકાથોનમાં ભારતના ૧૬ રાજ્યોમાંથી ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને ૧૦૦થી વધુ ટેક સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો હતો. આકરી પસંદગી પ્રક્રિયા બાદ ૫૦ સ્ટાર્ટઅપ્સ અને ૭૦ સ્ટુડન્ટ ટીમોએ AI આધારિત થ્રેટ ઇન્ટેલિજન્સ, ડાર્ક વેબ મોનિટરિંગ, ફાઇનાન્શિયલ ફ્રોડ એનાલિટિક્સ અને મહિલા-બાળ સુરક્ષા જેવા ૨૬ મહત્વપૂર્ણ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ પર પોતાના સોલ્યુશન્સ રજૂ કર્યા હતા.
રૂ. ૧૫.૨૫ લાખના ઇનામોનું વિતરણ
સ્પર્ધકો વચ્ચેની કડક સ્પર્ધા અને શ્રેષ્ઠ ટેકનોલોજીકલ ઉકેલોને ધ્યાનમાં રાખીને કુલ ₹૧૫.૨૫ લાખના ઇનામો આપવામાં આવ્યા હતા:
સ્ટાર્ટઅપ ટ્રેક: અમદાવાદની S4AI Technologies LLP એ રૂ. ૫ લાખનું પ્રથમ ઇનામ જીત્યું. હરિદ્વારની Threat-Tool Technologies એ બીજું (રૂ. ૩ લાખ) અને કોલકાતાની Hornet Decentratech એ ત્રીજું (રૂ. ૨ લાખ) ઇનામ મેળવ્યું.
સ્ટુડન્ટ ટ્રેક: વિશ્વાકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ (VGEC) ની ‘LexMatrix’ ટીમે રૂ. ૧.૫૦ લાખનું પ્રથમ ઇનામ ઝડપ્યું.
પોલીસ માટે વિશેષ ટ્રેનિંગ સેશન
કાર્યક્રમના અંતિમ દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ૩૦૦થી વધુ પોલીસ અધિકારીઓ (PI/PSI) માટે સાયબર તાલીમ યોજાઈ હતી. જેમાં સાયબર એક્સપર્ટ રક્ષિત ટંડન અને Google ના નિષ્ણાત હર્ષ દત્તાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનના આધુનિક ટુલ્સ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ આયોજન દ્વારા ગુજરાત પોલીસ, એકેડેમિયા અને આઇટી ઇન્ડસ્ટ્રી વચ્ચે સીધો સહયોગ સ્થાપિત થયો છે, જે ભવિષ્યમાં સાયબર ગુનાઓ સામે લડવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે