અમદાવાદમાં અદાણી ગેસ બિલ અપડેટના નામે ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે રૂ. ૪.૨૩ લાખની છેતરપિંડી: નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે નિકોલ વિસ્તારમાં અદાણી ગેસ બિલ અપડેટ કરાવવાના બહાને એક ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે રૂ. ૪,૨૩,૦૬૦/- ની મોટી ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પીડિત વૃદ્ધે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઠગ સામે ફરિયાદ નોંધાવી છે.

​મળતી માહિતી મુજબ, નિકોલના હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલ કર્ણાવતી બંગ્લોઝમાં રહેતા ૭૦ વર્ષીય પ્રવીણચંદ્ર નટવરલાલ મોદીને ગત તારીખ ૨૬/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાના સુમારે તેમના વોટ્સઅપ નંબર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે “હું અદાણી ગેસ કંપનીમાંથી બોલું છું” તેમ કહી પોતાની ખોટી ઓળખ આપી હતી. તેણે પ્રવીણચંદ્રને જણાવ્યું હતું કે, “તમારું અદાણી ગેસનું બિલ અપડેટ થયેલ નથી.”

​ત્યારબાદ, ઠગે પ્રવીણચંદ્રને વિશ્વાસમાં લઈ ગેસ બિલ અપડેટ કરવાની પ્રક્રિયાના નામે તેમના બેંક ખાતાની સંવેદનશીલ વિગતો મેળવી લીધી હતી. આ વિગતોનો ઉપયોગ કરીને ઠગોએ પ્રવીણચંદ્ર તથા તેમની પત્નીના સંયુક્ત (જોઈન્ટ) બેંક ખાતાઓમાંથી કુલ રૂ. ૪,૨૩,૦૬૦/- ની રકમ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા સરકાવી લીધી હતી.

​પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, છેતરપિંડીની આ રકમ ‘ધ મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક’ ના ખાતા નંબર 43100100009833 તથા ‘PayU’ બેંક ખાતા નંબર 30328589747 ના ધારકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

​પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં પ્રવીણચંદ્ર મોદીએ તારીખ ૦૩/૧૦/૨૦૨૬ ના રોજ નિકોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. નિકોલ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર (પો.ઈ.) શ્રી એસ.એ. દેસાઈને સોંપી છે. પોલીસ હાલ ટ્રાન્ઝેક્શન વિગતો અને બેંક એકાઉન્ટ ધારકોના આધારે આરોપીઓ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts