અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી (શાહીબાગ) દ્વારા આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન શેરીઓ, સોસાયટીઓ, ક્લબ અને પાર્ટી પ્લોટમાં રાસ-ગરબાના આયોજન અંગે વિશેષ યાદી અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તારીખ ૧૧/૧૦/૨૦૨૫ થી ૨૦/૧૦/૨૦૨૫ સુધી યોજાનાર આ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
મુખ્ય નિયમો અને માર્ગદર્શિકાઓ:
સુરક્ષા અને સુપરવિઝન:
ગરબાના સ્થળે લોકો અને મહિલાઓની સુરક્ષા, ટ્રાફિક જાળવણી તથા નશાકારક પદાર્થોનું સેવન કરેલ વ્યક્તિઓ પ્રવેશ ન કરે તે માટે આયોજકોએ ફરજિયાત બે (૨) જવાબદાર વ્યક્તિઓની નિમણૂક કરવાની રહેશે.
સ્થાનિક પોલીસ સ્ટેશનના એક અધિકારી/કર્મચારીને મેન્ટર તરીકે નીમવામાં આવશે જેથી યોગ્ય સંકલન જાળવી શકાય.
લાઉડસ્પીકર અને સાઉન્ડ સિસ્ટમની પરવાનગી:
ટિકિટ કે પાસ વગરના નાના આયોજનો માટે સ્થાનિક પોલીસ સ્ટેશનથી સાઉન્ડ સિસ્ટમની મંજૂરી મળશે.
ટિકિટ/પાસ ધરાવતા પાર્ટી પ્લોટ અને ક્લબ માટેની લાઉડસ્પીકર પરવાનગી માત્ર સંયુક્ત પોલીસ કમિશનરશ્રી (ટ્રાફિક)ની કચેરીથી જ આપવામાં આવશે.
સાઉન્ડ સિસ્ટમના માલિક અને આયોજકે નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦નું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
પ્રવેશ, પાર્કિંગ અને સીસીટીવી (CCTV) વ્યવસ્થા:
ગરબા સ્થળથી ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં ટ્રાફિક જામ કે અડચણરૂપ પાર્કિંગ ન થાય તેની જવાબદારી આયોજકોની રહેશે.
પ્રવેશ (Entry) અને બહાર નીકળવાના (Exit) ગેટ અલગ રાખવા અને માર્કિંગ કરવું.
ગરબા સ્થળે અને પાર્કિંગમાં પૂરતી સંખ્યામાં HD / AI આધારિત CCTV કેમેરા ગોઠવવા ફરજિયાત છે.
ચેકિંગ અને કટોકટીની સુવિધાઓ:
પ્રવેશદ્વાર પર ડોર ફ્રેમ/હેન્ડ મેટલ ડિટેક્ટર, સિક્યુરિટી સ્ટાફ અને બ્રેથ એનાલાઈઝર (Breath Analyzer) રાખવાના રહેશે.
સ્થળ પર એમ્બ્યુલન્સ, પ્રાથમિક સારવાર (First Aid), ફાયર સેફ્ટીના સાધનો અને ઈમરજન્સી ગેટની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે.
દિવ્યાંગો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે રેમ્પ, વ્હીલચેર અને વિશેષ પાર્કિંગ પ્રાથમિકતાના ધોરણે ફાળવવાનું રહેશે.
મહિલા સુરક્ષા માટે SHE Team:
મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આયોજકોએ પોલીસની SHE Team સાથે સંકલન જાળવવાનું રહેશે.
અન્ય અગત્યની બાબતો:
ફૂડ સ્ટોલ ધારકો પાસે FSSAI લાયસન્સ/રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.
જાહેર સુરૂચિનો ભંગ થાય કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.
સ્થળની ક્ષમતા કરતાં વધુ ટિકિટ કે પાસનું વેચાણ કરવું નહીં.
ગરબાના આયોજન સ્થળે જનજાગૃતિના હેતુથી “રોડ સેફ્ટી એન્થમ” વગાડવાની વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે.
અમદાવાદ પોલીસ દ્વારા તમામ ગરબા આયોજકો અને વ્યવસ્થાપકોને આ તમામ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.