અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી ૧ માસ અને ૭ દિવસના માસૂમ બાળકના અપહરણનો ગંભીર ગુનો ક્રાઇમ બ્રાન્ચ, ઝોન-૨, ૩ એલ.સી.બી. તથા સાબરમતી પોલીસ સર્વેલન્સ ટીમે સંયુક્ત કામગીરી કરીને ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે અપહરણ થયેલા બાળકને સુરક્ષિત રીતે પરત મેળવી મુખ્ય મહિલા આરોપી જીનલ પરમાર સહિત મદદગાર બે સગીરોને ઝડપી પાડ્યા છે.
ઘટનાની વિગત:
ગત તારીખ ૦૨/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૦૩:૧૫ વાગ્યાના સુમારે ન્યૂ રાણીપ, અહવાડીયા તળાવ પાસે ફૂટપાથ પર રહેતા અને કડિયાકામ કરતા એક શ્રમિક દંપતી સાથે સુતેલા ૧ માસ ૭ દિવસના બાળકની ચોરી થતાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌત દ્વારા તાત્કાલિક બાળકની શોધખોળ કરી આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી.
પોલીસની તપાસ અને નાકાબંધી:
ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી શરદ સિંધલ અને નાયબ પોલીસ કમિશ્નરશ્રી હિમકર સીંધના સુપરવિઝન હેઠળ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. ટીમો દ્વારા ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ, હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ બાળક સાથે શહેર છોડીને નાસી ના જાય તે માટે તમામ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને એરપોર્ટ પર કડક નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી.
આરોપીઓની ધરપકડ અને ખુલાસો:
CCTV ફૂટેજના આધારે ૨૧ વર્ષીય જીનલ ગોવિંદભાઈ પરમાર (રહે. રાણીપ, અમદાવાદ) ની સંડોવણી સામે આવતા તેને સાબરમતી રેલ્વે સ્ટેશન નજીકથી ઝડપી પાડવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેને મદદ કરનારા ઉત્તર પ્રદેશના બે સગીરો પણ સામેલ હતા. મહિલાના મોબાઈલમાંથી મળેલા ફોટોગ્રાફ્સ આધારે પોલીસે બંને સગીરોને પણ ઝડપી લીધા હતા.
તપાસમાં બહાર આવ્યું કે ઉત્તર પ્રદેશમાં રહેતા અને અગાઉ ‘ઝેપ્ટો’માં સાથે નોકરી કરતા વ્યક્તિએ ભુવનેશ્વર ઉર્ફે ભાનુ નામના શખ્સ વતી ૧ વર્ષથી નાની વયના બાળકની ગેરકાયદેસર વ્યવસ્થા કરવા બદલ ₹૬ લાખની લાલચ આપી હતી. જેથી મહિલાએ સોલા સિવિલ અને ન્યૂ રાણીપ વિસ્તારમાં રેકી કર્યા બાદ ફૂટપાથ પરથી માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું.
પોલીસની સતર્કતાથી બાળક સુરક્ષિત:
બાળકનું અપહરણ કર્યા બાદ તેને અન્ય વ્યક્તિને સોંપવાનું હતું, પરંતુ અમદાવાદ પોલીસની સઘન ચેકિંગ અને સતર્કતાને કારણે આરોપીઓ ગભરાઈ ગયા હતા. આરોપીઓએ બાળકને ન્યૂ રાણીપ વિસ્તારમાં નિઃસહાય અવસ્થામાં છોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાળકને સહીસલામત મેળવી લીધું છે.
અપહરણના આ ગુનામાં માનવ તસ્કરી અને પૂર્વઆયોજિત કાવતરાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે ઉત્તર પ્રદેશ ખાતે દરોડો પાડી મુખ્ય કાવતરાખોર ભુવનેશ્વર ઉર્ફે ભાનુ જાટવ (રહે. નોયડા) ને પણ ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.