નવરંગપુરામાં વિઝા કન્સલ્ટન્ટે આચર્યું રૂ. ૧૨.૨૫ લાખનું ફ્રોડ: લક્ઝમબર્ગ, નોર્વે અને ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ આપવાના નામે ત્રણ સાથે છેતરપિંડી

by Bansari Bhavsar

​અમદાવાદ:

નવરંગપુરા વિસ્તારમાં વિદેશ જવા ઈચ્છુક નાગરિકો સાથે વર્ક વિઝા અને વર્ક પરમિટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ સરદાર પટેલનગર, અનમોલ ટાવર પાસે રહેતા અને ગૌતમભાઈ જોશીના ૨૮ વર્ષીય પુત્રી કૃપાબહેને આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

​પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નવરંગપુરા લો ગાર્ડન ખાતે આવેલ નેશનલ હેન્ડલૂમ પાસે, ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગમાં “ફોર્ચ્યુન ઇન્ટરનેશનલ” નામે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા વૈભવ શિંદે નામના શખ્સે એપ્રિલ ૨૦૨૪થી લઈને આજદિન સુધીના સમયગાળા દરમિયાન આ ઠગાઈ આચરી હતી.

​આરોપી વૈભવ શિંદેએ સૌપ્રથમ કૃપાબહેનને લક્ઝમબર્ગ દેશના વર્ક વિઝા તથા વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તેણે નોર્વે અને ઓસ્ટ્રિયા દેશના પણ વર્ક વિઝા અને વર્ક પરમિટ કરાવી આપવાની લાલચ આપીને કૃપાબહેન પાસેથી તબક્કાવાર રૂ. ૫,૧૦,૦૦૦/- મેળવી લીધા હતા.

​માત્ર કૃપાબહેન જ નહીં, આરોપીએ અન્ય બે વ્યક્તિઓને પણ પોતાના જાળમાં ફસાવ્યા હતા. જેમાં અમીતભાઈ હસમુખભાઈ દવે પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦/- અને અમીષાબેન વિપુલભાઈ પટેલ પાસેથી રૂ. ૫,૬૫,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૨,૨૫,૦૦૦/- ની રકમ પડાવી લીધી હતી. નાણાં મેળવી લીધા બાદ આરોપીએ કોઈને પણ વિઝા કે વર્ક પરમિટ ન આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

​આ બનાવ અંગે કૃપાબહેને તારીખ ૦૬/૧૦/૨૦૨૬ ના રોજ નવરંગપુરા પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈ-પ્રોફાઈલ છેતરપિંડીના ગુનાની વધુ તપાસ પી.એસ.આઈ. શ્રી એ.સી. ઝાલા ચલાવી રહ્યા છે.

Related Posts