અમદાવાદ: નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તેમજ જાહેર આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ ફુડ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે રાત્રિ દરમિયાન ગરબાના સ્થળોએ ધમધમતા ફુડ સ્ટોલોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નવરાત્રીના પ્રથમ નોરતે શહેરમાં આવેલા વિવિધ ગરબાના આયોજનો જેવા કે રાસલીલા નવરાત્રિ (ગોતા), વાઇબ્રન્ટ નોરતા (ગોતા), કર્ણાવતી નો ગરબો (રામોલ), અને ખોડલધામ ગરબા (નિકોલ) સહિત કુલ ૧૫ ગરબા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન હાથવાયેલી મુખ્ય કાર્યવાહીની વિગતો:
કુલ ચકાસણી: ઉત્તર-પશ્વિમ, પૂર્વ અને પશ્ચિમ ઝોન અંતર્ગત કુલ ૧૫ ગરબા સ્થળો પર આવેલા ૧૪૮ ફુડ સ્ટોલોની ચકાસણી કરવામાં આવી હતી.
ખાદ્ય નમૂના અને ટેસ્ટ: તપાસ દરમિયાન કુલ ૪૧ ખાધ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા, તેમજ સ્થળ પર જ TPC મશીન દ્વારા ૩૫ ખાદ્ય પદાર્થોના પ્રાથમિક ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે નિર્ધારિત માપદંડ મુજબના જણાઈ આવ્યા હતા.
રજિસ્ટ્રેશન કાર્યવાહી: તપાસ દરમિયાન ૪૧ ફુડ સ્ટોલ ધારકો પાસે જરૂરી FSSAI રજિસ્ટ્રેશન ન હોવાનું માલૂમ પડતાં, તેઓને સ્થળ પર જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરાવી આપવામાં આવી હતી.
તંત્રની નાગરિકો અને આયોજકોને અપીલ:
AMC ના હેલ્થ ફુડ વિભાગ દ્વારા ગરબાના આયોજકો અને ફુડ સ્ટોલ ધારકોને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, સ્વચ્છતા જાળવવા તેમજ કારીગરો દ્વારા વ્યક્તિગત સ્વચ્છતા રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. નાગરિકોના આરોગ્ય સાથે કોઈડા અડાબીડ કે બાંધછોડ ન થાય તે માટે નવરાત્રી દરમિયાન આ ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
“સુરક્ષિત ખોરાક–સ્વસ્થ નવરાત્રી” ના સૂત્ર સાથે હેલ્થ ફુડ વિભાગ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.