અમદાવાદ:
શહેરમાં પેસેન્જરોને ઓટોરિક્ષામાં બેસાડી તેમની નજર ચૂકવી ચોરી કરતી ગેંગ સામે કાગડાપીઠ પોલીસે મોટી સફળતા મેળવી છે. રીક્ષામાં બેસેલા પેસેન્જરને આઘા-પાછા થવાનું કહીને ₹50,000ની કિંમતની રોકડ રકમની ચોરી કરનાર બે શાતિર આરોપીઓને કાગડાપીઠ પોલીસે ગણતરીના સમયમાં પકડી પાડી ગુનો ડિટેક્ટ કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનાના આધારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ તથા સેકન્ડ પી.આઈ. એસ.એસ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. જે.આર. બલાત અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન કોન્સ્ટેબલ પ્રકાશભાઈ લવજીભાઈ અને દિવ્યરાજસિંહ પ્રતાપસિંહને મળેલ સંયુક્ત બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ચોરીમાં સંકળાયેલા બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પકડાયેલ આરોપીઓ:
અબ્દુલ રહેમાન ઉર્ફે સલમાન હુસેનભાઈ કુરેશી (રહે. અરબાજ પઠાણના ભાડાના મકાનમાં, ગોમતીપુર, અમદાવાદ)
આસીફ શબ્બીરહુસેન શેખ (ઉં.વ. 37, ધંધો: રિક્ષા ડ્રાઇવિંગ, રહે. ગોમતીપુર, અમદાવાદ)
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
રોકડા રૂપિયા: ₹50,000/-
ચોરીના ગુનામાં વપરાયેલ ઓટોરિક્ષા (નંબર: GJ-27-TB-2339 – કિંમત રૂ. 80,000/-)
કુલ મુદ્દામાલ: રૂ. 1,30,000/-
આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ (M.O.):
આરોપીઓ પોતાની ઓટોરિક્ષામાં પેસેન્જરને બેસાડતા હતા. ત્યારબાદ મુસાફરી દરમિયાન પેસેન્જરને “સરખા બેસો” અથવા “આઘા-પાછા થાઓ” તેમ કહીને તેમનું ધ્યાન ભટકાવતા હતા અને નજર ચૂકવીને તેમના ખિસ્સા કે બેગમાંથી રોકડ રકમ સેરવી લેતા હતા.
કાગડાપીઠ પોલીસે બંને આરોપીઓ સામે BNS કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.