બાલી ટુરના બહાને વેપારીઓ સાથે લાખોની ઠગાઈ: ઇન્દોરની ટ્રાવેલ્સ કંપનીના સંચાલક સામે માધવપુરા પોલીસ સ્ટેશને નોંધાઈ ફરિયાદ

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સુમેલ-૧૧માં ઓફિસ ધરાવતા અને ઇન્દોરની ટ્રાવેલ્સ કંપનીના સંચાલક દ્વારા ૪૦ થી વધુ વેપારીઓ સાથે ટૂર પેકેજના નામે વિશ્વાસઘાત અને લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

​શું છે સમગ્ર મામલો?

​શાહીબાગ વિસ્તારમાં આવેલા દેવનંદન રેસીડેન્સી ખાતે રહેતા ક્લેશ અતુલકુમાર આદેશરા (ઉ.વ.૪૧) નામના વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગત ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, ગત ૧૦ જુલાઈ ૨૦૨૫ થી આજદિન સુધીના સમયગાળા દરમિયાન શાહીબાગ નમસ્તે સર્કલ નજીક સુમેલ-૧૧ (બીજો માળ, એફ-૨૨૫) ખાતે આવેલી ઓફિસે આરોપી નવીન અગ્રવાલે ક્લેશ આદેશરા તથા અન્ય ૪૦ થી ૭૦ જેટલા વેપારીઓને ઇન્ડોનેશિયાના બાલી ખાતે ટુર પર લઈ જવાની લાલચ આપી હતી.

​ટિકિટના એડવાન્સ નાણાં પડાવી લીધા

​આરોપી નવીન અગ્રવાલે બાલી ટુરના બહાને ક્લેશ આદેશરા પાસેથી એડવાન્સ પેટે કુલ રૂપિયા ૧૧,૩૮,૫૦૦/- (અંક રૂા. અગિયાર લાખ અડત્રીસ હજાર પાંચસો પૂરા) મેળવી લીધા હતા. ત્યારબાદ આરોપીએ અલગ-અલગ બહાના બતાવી ટુર પેકેજનો ચાર્જ વધારી દીધો હતો અને વેપારીઓને બાલી ટુર પર પણ ન લઈ જઈ તેમજ ટુર પેટે લીધેલા એડવાન્સ નાણાં પણ પરત ન આપી મોટી છેતરપિંડી આચરી હતી.

​આરોપીનું સરનામું અને તપાસ

​આરોપી નવીન અગ્રવાલ દ્વારા જે બે સરનામાંઓનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાં:

૧. “વંડર ડિઝાયર ઇન્ટરનેશનલ હોલીડે”, બી ડીક્ઝીટ કોર્પોરેટ રેસકોર્સ એરિયા, યશવંત ક્નવાસ રોડ, ઇન્દોર (મધ્યપ્રદેશ).

૨. “વંડર ડિઝાયર ઇન્ટરનેશનલ હોલીડે”, યુજી ૨૫, બંસી ટ્રેડ સેન્ટર, એમ.જી. રોડ, ઇન્દોર (મધ્યપ્રદેશ).

​આ ગંભીર ગુનાની વધુ તપાસ માધવપુરા પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. આર.સી. રાઠવા ચલાવી રહ્યા છે.

​આ મામલે પોલીસ દ્વારા વધુ વેપારીઓ ભોગ બન્યા છે કે કેમ અને આરોપીની સંડોવણી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Posts