અમદાવાદ:
સરખેજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સરખેજમાં આવેલા આરંભ ફ્લેટ નજીકના ખુલ્લા ખેતરમાંથી એક નવજાત શિશુ (મૃત) મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની વિગત:
પ્રાપ્ત વિગતો અનુસાર, સરખેજ ઉજાલા સર્કલ પાસે આવેલા આરંભ ફ્લેટ નજીક ઝૂંપડામાં રહેતા અને મજૂરી કામ કરતા ધુડાભાઈ લાલજીભાઈ ચૌહાણના બાળકો રમતા રમતા નજીકના ખુલ્લા ખેતરમાં ગયા હતા. ત્યાં તેઓને એક કાળા રંગની પ્લાસ્ટિકની થેલી દેખાઈ હતી. બાળકોએ ઘરે આવીને પરિવારજનોને આ અંગે જાણ કરી હતી.
ગામના લોકો અને પરિવારજનોએ સ્થળ પર જઈને તપાસ કરતા કાળી પ્લાસ્ટિકની થેલીમાંથી ચોકડીવાળા ભરમુંડા (ચકામાં) લપેટેલું નવજાત બાળક (છોકરો) મળી આવ્યું હતું.
૧૦૮ એ બાળકની તપાસ કરી મૃત જાહેર કર્યું:
સ્થાનિકોએ તુરંત જ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. ૧૦૮ ના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી બાળકની તપાસ કરતા તેને મૃત જાહેર કર્યું હતું.
પોલીસ કાર્યવાહી અને તપાસ:
બનાવ અંગે સ્થાનિક રહેવાસીની ફરિયાદના આધારે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. (BNS) ની કલમ ૧૭૬ હેઠળ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કોઈ અજાણી વ્યક્તિ દ્વારા પોતાના નવજાત શિશુને ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસ મથકના મહિલા પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) એસ.આર. ચૌધરીએ આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.