અમદાવાદમાં ચોંકાવનારો હત્યાકાંડ: ખોખરામાં બંધ ફ્લેટમાંથી ટ્રોલી બેગમાં ભરેલી વૃદ્ધાની વિકૃત લાશ મળી, 8 ઘા ઝીંકી હત્યા કરનાર ભત્રીજો કસ્ટડીમાં

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા ખાતેથી એક અત્યંત કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. ખોખરા સ્થિત જીવનરક્ષા સોસાયટીના એક બંધ ફ્લેટમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિક રહીશોની શંકાના આધારે પોલીસે દરવાજો તોડીને તપાસ કરી હતી. આ દરમિયાન ફ્લેટ અંદરથી અઢી ફૂટની ટ્રોલી બેગમાંથી ૬૩ વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન ટિમોથી ડાભીની ક્ષતવિક્ષત અને ડીકમ્પોઝ થઈ ગયેલી લાશ મળી આવી હતી.

​દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને કરી જાણ

​ખોખરા વિસ્તારની જીવનરક્ષા સોસાયટીના બીજા માળે આવેલા બંધ ફ્લેટમાંથી છેલ્લા બે-ત્રણ દિવસથી માથું ફાડી નાખે તેવી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. શરૂઆતમાં આસપાસના રહીશોને કોઈ પશુ મરી ગયું હોવાની શંકા ગઈ હતી, પરંતુ સમય જતાં દુર્ગંધ સતત વધતી જતાં તેઓએ તપાસ કરી હતી. દુર્ગંધ બંધ ફ્લેટમાંથી જ આવી રહી છે તે નક્કી થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી.

​પોલીસે તાળું તોડ્યું તો ટ્રોલી બેગમાંથી મળી લાશ

​ઘટનાની જાણ થતાં જ ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડી-સ્ટાફ સહિત ઝોન-૫ એલસીબી (LCB)નો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફ્લેટ બહારથી તાળું મારેલું હોવાથી પોલીસે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદરનો નજારો જોઈને પોલીસ કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ફ્લેટ વચ્ચે પડેલી એક ટ્રોલી બેગમાં ઠાંસી-ઠાંસીને ભરેલી હાલતમાં વૃદ્ધા લક્ષ્મીબેનની લાશ મળી આવી હતી.

​કાતરના ૮ ઘા ઝીંકીને કરી હતી ક્રૂર હત્યા

​બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) અને તબીબોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી હતી. એફએસએલ અને પીએમ રિપોર્ટની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મહિલાના પેટના ભાગે કાતર વડે ઉપરાછાપરી ૮ જેટલા ઊંડા ઘા ઝીંકવામાં આવ્યા હતા. અતિશય રક્તસ્ત્રાવ થવાના કારણે મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા અને લાશનો નિકાલ કરવાના બદઈરાદે મૃતદેહને ટ્રોલી બેગમાં પેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

​નાણાકીય વિવાદમાં સગા ભત્રીજાએ ગુનો આચર્યો

​પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી તપાસ હાથ ધરી મૃતકના ૨૦ વર્ષીય સગા ભત્રીજા પ્રહર્ષ અશ્વિન મકવાણાની અટકાયત કરી છે. નાણાકીય લેતીદેતી અને રોકડ રકમને લઈને થયેલા ઝઘડામાં આ કરૂર હત્યાકાંડ આચરવામાં આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.

​હાલમાં ખોખરા પોલીસે અટકાયત કરેલા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts