અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશન અને સારંગપુર સર્કલ વિસ્તારમાં મુસાફરોને રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવનાર તેમજ પરિવારજનો પાસે ખંડણી માંગનાર કુખ્યાત ગેંગનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-૩ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત:
ગત તા. ૦૪/૧૧/૨૦૨૫ના રોજ સાંજના અરસામાં એક મુસાફર કાલુપુર સારંગપુર સર્કલ પાસેથી ગાંધીનગર જવા માટે ઓટોરિક્ષા (નંબર GJ-01-TK-0516) માં બેઠા હતા. રિક્ષા થોડે આગળ ગયા બાદ રિક્ષાચાલક અને તેની સાથે અગાઉથી જ બેઠેલા અન્ય શખ્સોએ ભેગા મળી ફ્રિ.શ્રી (ફરિયાદી) ને મારમારી ધમકી આપી હતી.
આરોપીઓએ મુસાફર પાસેથી પાકીટમાંથી રૂા. ૧,૦૦૦ રોકડા પડાવી લીધા હતા, તેમનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને ક્યૂ.આર. કોડ સ્કેન કરાવી ઓનલાઈન રૂા. ૩,૩૩૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં કોબા સર્કલ પાસે રિક્ષા સાઈડમાં ઊભી રાખી તેમને વધુ માર મારી, પરિવારજનોને ફોન કરીને મુસાફરને છોડાવવા માટે વધુ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પરિવારે નાણાં નહીં મોકલતા આરોપીઓ મોબાઈલ ફોન સાથે રાખી મુસાફરને રસ્તામાં ઉતારીને નાસી છૂટ્યા હતા.
આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૦૮(૩), ૩૦૯(૬), ૨૯૬(બી) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે પકડેલા આરોપીઓ:
ઝોન-૩ એલ.સી.બી. સ્કોડના સ્ટાફ દ્વારા બાતમીના આધારે તા. ૦૫/૧૧/૨૦૨૫ના રોજ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે:
૧. હનીફ ઉર્ફે કાંટા સ/ઓ મો.શરીફ અબ્દુલ કરીમ શેખ (ઉ.વ. ૩૩, ધંધાકીય ડ્રાઇવર, રહે. કુમારવાડા, દાણીલીમડા પાસે, ગાજીપીર, જમાલપુર, અમદાવાદ શહેર)
૨. પ્રેમ નટવરલાલ પરમાર (ઉ.વ. ૧૮, ધંધો: છૂટક મજૂરી, રહે. રામપુરાની ચાલી, ગીતા મંદિર પાસે, અમદાવાદ શહેર, મૂળ વતની: કટોસણ, જી.મહેસાણા)
૩. રેহানખાન સિરાજખાન પઠાણ (ઉ.વ. ૧૯, ધંધો: નોકરી, રહે. જાનસાહબવાળી ગલીમાં, પટવા શેરી, લાલ દરવાજા, કારંજ, અમદાવાદ શહેર)
કબજે કરાયેલ મુદ્દામાલ:
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂા. ૧,૭૦,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
૪ મોબાઇલ ફોન (કિંમત રૂા. ૬૯,૦૦૦/-)
૧ ઓટોરિક્ષા નં. GJ-01-TK-0516 (કિંમત રૂા. ૧,૦૦,૦૦૦/-)
રોકડ રકમ રૂા. ૧,૦૦૦/-
અમદાવાદ શહેર પોલીસની આ સરાહનીય કામગીરીથી શહેરમાં મુસાફરો સાથે થતા ગુનાઓ પર અંકુશ આવશે.