અમદાવાદ: મેફેડ્રોન ડ્રગ્સ પ્રકરણમાં મોટો ખુલાસો, મુખ્ય આરોપી નાઇજીરીયન નાગરિક કેરળમાંથી ઝડપાયો

by Bansari Bhavsar

​અમદાવાદ: નરોડા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપી નાઇજીરીયન નાગરિકને પોલીસે કેરળ રાજ્યમાંથી ઝડપી પાડ્યો છે.

​કેસની વિગતવાર માહિતી:

​પ્રારંભિક કાર્યવાહી: ગત તા. ૧૭/૦૯/૨૦૨૬ના રોજ નરોડા પોલીસે નાના ચિલોડા સર્કલ પાસેથી નીખીલેશ રમેશ કિષ્નપ્પા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેના કબજામાંથી વગર પાસ-પરમિટે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ૧,૮૫૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (કિંમત રૂ. ૫૫,૫૦,૦૦૦) તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૫૫,૫૫,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

​કડીઓ અને અન્ય ધરપકડ: આ ગુનાની વધુ તપાસ દરમિયાન આ જથ્થો બેંગલુરુ ખાતે ડિલિવરી કરવાનો હોવાનું સામે આવતાં પોલીસે બેંગલુરુમાં વોચ ગોઠવી ડ્રગ્સની ડિલિવરી લેવા આવનાર વિશાલ આઇદોરા સીમલાચ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

​મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી પોલીસ: પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી ‘ફ્રેન્ક’ નામનો નાઇજીરીયન હોવાનું ખુલ્યું હતું. નરોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરીને આંતરરાજ્ય ઓપરેશન દ્વારા મુખ્ય આરોપી ચાર્લીસ ઉર્ફે ફ્રેન્ક ઓફુડીલ (ઉંમર વર્ષ ૩૬, મૂળ રહે. નાઇજીરીયા, હાલ રહે. બેંગલુરુ) ને કેરળના કોટીયમ સીટી (જી. કોલ્લમ) ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

​પકડાયેલ આરોપીની વિગત અને ગુનાહિત ઇતિહાસ:

​નામ: ચાર્લીસ ઉર્ફે ફ્રેન્ક ઓફુડીલ (ઉંમર વર્ષ ૩૬)

​મૂળ વતન: ઓનીશા, આનમ્બરા, નાઇજીરીયા

​ગુનાહિત ઇતિહાસ: પકડાયેલા મુખ્ય આરોપી વિરુદ્ધ અગાઉ પણ કોઝિકોડ સિટી (કેરળ) ના નાદક્કાવુ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે.

​આ સફળ કામગીરી નરોડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીઓ અને સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ તથા સચોટ બાતમીના આધારે પાર પાડી છે, જેનાથી ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે.

Related Posts