એસઓજીએ ફતેવાડીમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપ્યું, એકની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ, તા. 4/4/2025: શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ક્રાઈમ બ્રાન્ચે આજે ફતેવાડી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂખાનાનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ. ૭૭,૭૩૩ની કિંમતના વિવિધ પ્રકારના ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસ કમિશનર કચેરી દ્વારા ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક સામગ્રીની હેરાફેરી તથા વેચાણ પર અંકુશ લાવવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ફતેવાડીના કેનાલ રોડ પર આવેલા ખેડૂત મન્સુરી કોમ્પ્લેક્સની એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે.

આ બાતમીના આધારે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસઓજી ક્રાઈમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી વી.એચ.જોષી અને પો.ઇન્સ.શ્રી એમ.એસ.ત્રિવેદીની દેખરેખમાં પો.સબ.ઇન્સ શ્રી આર.કે.વાણીયાની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાન નંબર ૧૦માંથી વિવિધ પ્રકારના ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી અબ્દુલગની અબ્દુલહમીદ શેખ (ઉં.વ. ૪૯), રહે. મદની પાકીટ, બાગબા ફ્લેટની ગલી, રજ્જાક મસ્જીદ સામે, ફતેવાડી, જુહાપુરાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ. ૭૭,૭૩૩ની કિંમતના ફટાકડાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે ડી.વી.બી. પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ સ્ફોટક અધિનિયમ કલમ ૯(બી) અને બી.એન.એસ કલમ ૨૮૮ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આ કેસની તપાસ અ.હે.કોન્સ્ટેબલ ભાગ્યદીપ કુમાર કરી રહ્યા છે. પોલીસ દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Related Posts