નર્મદા: ગુજરાતમાં દારૂબંધી (Prohibition) હોવા છતાં, દારૂની હેરાફેરીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે, નર્મદા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી (AAP) ના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ના ભાઈને દારૂની બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
LCB ની રેડમાં 11 બોટલ સાથે ધરપકડ
નર્મદા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી. આ રેડ દરમિયાન વીરભદ્ર સિંહ વસાવા (ભદ્રેશ વસાવા) ની ધરપકડ કરવામાં આવી હતી, જે નિરંજન વસાવાના ભાઈ છે. પોલીસને તેમની પાસેથી વિદેશી દારૂની કુલ 11 બોટલો મળી આવી હતી.
અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર, વીરભદ્ર સિંહ વસાવા આ પહેલા પણ દારૂની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂક્યા છે. વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
નર્મદા જિલ્લા AAP પ્રમુખના ભાઈનું દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં નામ આવતા, રાજકીય પક્ષોમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે.