અમદાવાદ (ઇસનપુર):
શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ રોયલ નવાબ ફ્લેટમાં થયેલી કરોડો રૂપિયાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં ઇસનપુર પોલીસને સફળતા મળી છે. ઘરમાં કોઈ તોડફોડ કર્યા વગર હાઈ-ટેક રીતે થયેલી આ ચોરી કોઈ બહારની ગેંગે નહીં, પરંતુ ગૃહિણીની સગી બહેન (ફરિયાદીની સાળી) દ્વારા જ અંજામ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી મહિલાની અટકાયત કરી છે અને ₹૫૦ લાખની વર્તમાન બજાર કિંમતના સોનાના દાગીના રિકવર કર્યા છે.
શું હતો સમગ્ર બનાવ?
ઇસનપુરના શાહઆલમ નજીક આવેલા રોયલ નવાબ ફ્લેટ (A/13) ખાતે રહેતા અને ફટાકડાનો વેપાર કરતા નદીમમીયા કાસમભાઇ બાગબાન (ઉ.વ. ૩૬) ના પરિવારજનો ૨૬ જુલાઈ ૨૦૨૬ના રોજ સાંજે પોતાના ઘરને સ્માર્ટ લોક કરીને બહાર જમવા ગયા હતા. રાત્રે પરત ફરીને જોતાં ઘરના બેડરૂમનું કબાટ ખુલ્લું હતું અને અંદર રાખેલા વડીલોપાર્જિત તેમજ લગ્નપ્રસંગના દાગીના ગાયબ હતા.
ઘરના મુખ્ય દરવાજે ‘ડેલ્ટા’ કંપનીનું સ્માર્ટ લોક લાગેલું હતું અને દરવાજા કે લોક સાથે કોઈ જ તોડફોડ થઈ નહોતી. જેથી પોલીસને શંકા ગઈ હતી કે સ્માર્ટ લોકનો પાસવર્ડ જાણતી જ કોઈ નજીકની વ્યક્તિ આ ગુનામાં સામેલ છે.
ભાણેજો પાસેથી મેળવ્યો સ્માર્ટ લોકનો પાસવર્ડ
પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજા અને પી.એસ.આઈ. સી.એલ. રબારીની ટીમે ટેકનિકલ એનાલિસિસ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી હતી. ફરિયાદીના જ ફ્લેટના નીચેના માળે (A/10) રહેતી તેમની સગી સાળી ફરહાનાઝ નાસીરખાન પઠાણ (ઉ.વ.૨૭) ની કડક પૂછપરછ કરતાં તેણે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી મહિલા અવારનવાર બહેનના ઘરે આવતી-જતી હતી. તેણે બહેનની બે નાની દીકરીઓને ભોળવીને દરવાજાના સ્માર્ટ લોકનો પાસવર્ડ મેળવી લીધો હતો. આ ઉપરાંત, દાગીના કયા કબાટમાં છે અને તેની ચાવી ક્યાં રખાય છે તેની પણ તેને પૂરી જાણકારી હતી.
લોનનો હપ્તો ભરવા ઘડ્યો ચોરીનો પ્લાન
પોલીસ પૂછપરછમાં આરોપી સાળીએ જણાવ્યું કે તેની માતાએ મુથુટ ફાઇનાન્સમાંથી ₹૧૪ લાખની લોન લીધેલી હતી, જેનો હપ્તો ૩૦ જુલાઈ ૨૦૨૬ના રોજ ભરવાનો હતો. નાણાંની સગવડ ન હોવાથી તેણે બહેન-બનેવીના ઘરે ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
૨૬ જુલાઈની રાત્રે પરિવાર બહાર જમવા ગયો ત્યારે તેણે પાસવર્ડથી લોક ખોલીને દાગીના અને રોકડ પોતાના પર્સમાં ભરી લીધા હતા. ચોરી કર્યા બાદ તે તેના મિત્ર સાદીકઅલી સૈયદને મળવા લાલ દરવાજા ગઈ હતી અને લો ગાર્ડન ખાતે ફરવા દરમિયાન પોતાના સ્કૂટરની ડેકીમાંથી દાગીના ભરેલું પર્સ મિત્રના સ્કૂટરની ડેકીમાં મુકાવી દીધું હતું.
₹૫૦ લાખનો મુદામાલ રિકવર
આરોપી સાળીની સ્પષ્ટ કબૂલાત બાદ પોલીસે તેના મિત્રને જાણ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. રિકવર કરવામાં આવેલા દાગીનામાં વિવિધ પ્રકારના સોનાના હાર, બંગડીઓ, લક્કી, લેડીઝ વીંટીઓ, કડા, કાનની કુંડળ-એરિંગ્સ અને ચેઇન સહિત કુલ ૪૯.૪ ગ્રામ/તોલાના સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની વર્તમાન બજાર કિંમત ₹૫૦ લાખ જેટલી થાય છે. ઇસનપુર પોલીસે ગુનામાં વપરાયેલ વાહન પણ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.