ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના ભાગરૂપે ગીર સોમનાથ પોલીસે નિયમોનો ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. યાત્રાધામ સોમનાથ અને દરિયાઈ વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તમામ હોટલ અને ગેસ્ટહાઉસમાં ૩૦ દિવસનું CCTV બેકઅપ રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના ભંગ બદલ SOG પોલીસે વેરાવળના એક રેસ્ટ હાઉસના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નિયમભંગ બદલ BNS ની કલમ હેઠળ ગુનો દાખલ
જૂનાગઢ રેન્જ DIG રાજેન્દ્રસિંહ ચૂડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ SOG ટીમે વેરાવળ શહેર વિસ્તારમાં હોટલ અને ગેસ્ટહાઉસનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વેરાવળના આણંદધામ કોમ્પ્લેક્સમાં આવેલા “સોમનાથ રેસ્ટ હાઉસ”માં કેમેરાનું જરૂરી ૩૦ દિવસનું બેકઅપ ન હોવાનું સામે આવ્યું હતું. જાહેરનામાનો ભંગ કરવા બદલ રેસ્ટ હાઉસના માલિક કુમાર સુરેશભાઈ ડાભી (ઉં.વ. ૨૯, રહે. હરસિદ્ધિ સોસાયટી, વેરાવળ) વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
સુરક્ષા સામે બેદરકારી ચલાવી લેવાશે નહીં
ગીર સોમનાથ જિલ્લો કોસ્ટલ એરિયા અને ધાર્મિક મહત્વ ધરાવતો હોવાથી બહારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. કોઈ અસામાજિક કે શંકાસ્પદ તત્વો પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન આચરે તે માટે CCTV નો ડેટા જાળવી રાખવો ફરજિયાત છે. પોલીસે તમામ હોટલ અને લોજિંગ-બોર્ડિંગના સંચાલકોને જાહેરનામાનું કડકપણે પાલન કરવા અને CCTV કેમેરા સતત ચાલુ રાખવા ચીમકી આપી છે.