અમદાવાદ: દાણીલીમડા પોલીસે ગેરકાયદે ગૌ-માસનું નેટવર્ક ઝડપ્યું, રૂ. ૯,૦૦૦નો મુદ્દામાલ અને હથિયારો જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર રીતે ચાલી રહેલા પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સર્વેલન્સ સ્ક્વોડની પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ૪૫ કિલો ગૌ-માસના જથ્થા સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.

​મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને પોલીસ ઈન્સપેક્ટર સી.ટી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ટીમના મહિલા સહાયક સબ ઈન્સપેક્ટર નુપુરકુમાર અને કોન્સ્ટેબલ અશ્વિનભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે દાણીલીમડા સાઈટ એન્ડ સર્વિસના છાપરા પાસે કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે ગૌ-માસનું કટીંગ કરી રહ્યા છે.

​બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પરથી ત્રણ આરોપીઓ—સિરાજ અનવરદ્દીન શેખ (ઉં.વ. ૩૯), ફેઝાન ઈસ્તીખાર અન્સારી (ઉં.વ. ૨૨) અને રૂહાનખાન સરવરખાન પઠાણ (ઉં.વ. ૨૩)ને ઝડપી પાડ્યા હતા.

​પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૯,૦૦૦ની કિંમતનો ૪૫ કિલો ગૌ-માસનો જથ્થો તેમજ કાપવા માટે ઉપયોગમાં લેવાતા હથિયારો (છરો, છરી અને મસ્કાલ) કબજે કર્યા છે.

​દાણીલીમડા પોલીસે આ અંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩, ગુજરાત પશુ સંરક્ષણ સુધારણા અધિનિયમ તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts