રાણીપ પોલીસ સ્ટેશનની સામે જ ચાલતો હતો ચરસનો કારોબાર: CID ક્રાઇમની ANTF ટીમે પાડ્યો દરોડો, ₹1.22 લાખના ચરસ સાથે આરોપી ઝડપાયો

રાણીપ પોલીસના નાક નીચે જ ચાલતો હતો ચરસનો અડ્ડો: ANTFના દરોડાથી સ્થાનિક પોલીસની પોલ ખુલી

by Bansari Bhavsar

​પોલીસ સ્ટેશનથી માત્ર થોડા જ મીટરના અંતરે આવેલી ગલીઓમાં મહિનોથી ડ્રગ્સનો કારોબાર ખુલ્લેઆમ ચાલતો હોય અને પોલીસને તેની ગંધ પણ ન આવે, તે વાત ગળે ઊતરે તેવી નથી. અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ આવેલ ન્યુ પ્રેમનગર વિસ્તારમાંથી તાજેતરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની ટીમે 490 ગ્રામ ચરસના જથ્થા સાથે એક વેપારીને પકડી પાડ્યો છે. આ દરોડાએ રાણીપ પોલીસની કામગીરી અને નીતિમત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

​નાક નીચે જ નશાનો કારોબાર, પોલીસ અજાણ કે અંધારામાં?

​જે વિસ્તારમાં રાણીપ પોલીસનું નાઇટ પેટ્રોલીંગ હોવાનો દાવો કરવામાં આવે છે, તે જ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આવેલી એક ઝૂંપડીમાંથી દૈનિક ધોરણે ચરસ અને ગાંજાનું વેચાણ થઈ રહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે સ્થાનિક રાણીપ પોલીસ પોતાના જ વિસ્તારના બાતમીદારોના નેટવર્ક અથવા પેટ્રોલીંગથી આ ગેરકાયદે પ્રવૃત્તિ પકડવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી, જ્યારે ગાંધીનગર/અમદાવાદની ANTF ટીમે આવીને સફળ દરોડો પાડવો પડ્યો.

​સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલો:

​હપ્તાખોરી કે ઘોર બેદરકારી? સ્થાનિક પોલીસ સ્ટેશનથી સાવ નજીક ચાલતા ચરસના વેચાણ અંગે પોલીસ અજાણ હતી કે પછી હપ્તાખોરીના કારણે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા?

​નિષ્ફળ પેટ્રોલીંગ નેટવર્ક: પોલીસ રાત-દિવસ વિસ્તારમાં સુરક્ષાના દાવા કરે છે, તો પછી દિવસના સમયે ખુલ્લેઆમ નશાકારક પદાર્થોની ડિલિવરી અને વેચાણ થતું હતું ત્યારે પોલીસનું ધ્યાન ક્યાં હતું?

​બુટલેગરો અને પેડલરોનો બેખોફ વલણ: રાણીપ પોલીસ સ્ટેશનની સામે જ બેફામ બનીને ચરસ વેચવું એ દર્શાવે છે કે ગુનેગારોમાં સ્થાનિક પોલીસનો કોઈ જ ખૌફ રહ્યો નથી.

​ખાખી વર્ધી સામે ગંભીર પ્રશ્નાર્થ

​દરોડા દરમિયાન 490 ગ્રામ ચરસ અને અન્ય સંડોવાયેલી મહિલા આરોપીઓની વિગતો બહાર આવી છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ રાણીપ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી પર ઉઠ્યો છે. સ્થાનિક રહીશોમાં પણ હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે જો પોલીસ સ્ટેશનની સામે જ નશાનો વેપાર સુરક્ષિત રીતે ચાલી શકતો હોય, તો આખા વિસ્તારની સુરક્ષા રાણીપ પોલીસના ભરોસે કેટલી સલામત ગણાય?

Related Posts