અમદાવાદમાં ‘સઘન સફાઈ ઝુંબેશ’ અંતર્ગત મહાસ્વચ્છતા અભિયાન: ૧૩૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મહિનાના પ્રથમ રવિવારે શહેરના તમામ ૦૭ ઝોન અને ૪૮ વોર્ડમાં “સઘન સફાઈ ઝુંબેશ” હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ પર્યાવરણીય સંતુલન, જળ સંરક્ષણ અને વૃક્ષારોપણના ત્રિવિધ મહાઅભિયાન અંતર્ગત આ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
આ અભિયાનમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ સહિત મ્યુનિસિપલ કાઉન્સિલરો અને ૧,૨૬૭થી વધુ જાગૃત નાગરિકોએ શ્રમદાન આપીને સક્રિય ભાગીદારી નોંધાવી હતી. એસ.જી. હાઇવે તેમજ શહેરના ૧૪ મુખ્ય એન્ટ્રી પોઇન્ટ્સ, ૪૮ મુખ્ય ટ્રાફિક સર્કલો, ૨૩૯ જાહેર બગીચાઓ અને ૫૪૫ જાહેર શૌચાલયોની હાઇ-પ્રેશર જેટ અને ડીપ-ક્લિનિંગ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ અને સાયન્સ સિટી જેવા ૧૬ પ્રવાસન સ્થળો તથા સંસ્કાર કેન્દ્ર સહિત ૦૭ મ્યુઝિયમોને પણ સ્વચ્છ કરાયા હતા.
સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી આ કામગીરીના પરિણામે અંદાજે ૧૩૦ મેટ્રિક ટન ઘન કચરો એકત્ર કરીને પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે મોકલવામાં આવ્યો હતો. સાથે જ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાર્યવાહી કરીને ૧,૫૦૦ કિલોગ્રામ પ્લાસ્ટિક વેસ્ટ જપ્ત કરવામાં આવ્યો હતો. AMC દ્વારા નગરજનોને કચરાનું ઘરેથી જ વર્ગીકરણ (Segregation at Source) કરવા અને સ્વચ્છતાને જીવનશૈલી બનાવવા અપીલ કરવામાં આવી છે.