અમદાવાદ:
મની લોન્ડરિંગ કેસમાં મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યા બાદ પણ ₹25 લાખનો ખર્ચ કરી નકલી દસ્તાવેજોના આધારે બીજો પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનાર હરિકેશ પ્રણવ પટેલની ગુજરાત Anti-Terrorist Squad (ATS) દ્વારા સાયન્સ સિટી પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી હરિકેશ પટેલ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર છે.
ગાઝિયાબાદ RPO માંથી મેળવ્યો હતો નવો પાસપોર્ટ
વર્ષ 2023ના EDના મની લોન્ડરિંગ કેસમાં (Powerbank App સ્કેમ) હરિકેશ પટેલનો મૂળ પાસપોર્ટ કોર્ટમાં જમા હતો. આ દરમિયાન તેણે દુબઈના મિત્ર મારફતે દિલ્હીના એજન્ટનો સંપર્ક કર્યો હતો. 25 લાખ રૂપિયા આપી આગ્રામાં ભાડે રહેતો હોવાનું બોગસ રેન્ટ એગ્રીમેન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ દિલ્હી ક્રાઈમ બ્રાંચમાં જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવી, તે ફરિયાદ અને નકલી એગ્રીમેન્ટના આધારે ગાઝિયાબાદ RPO માંથી જુલાઈ 2024માં નવો પાસપોર્ટ મેળવી લીધો હતો.
6 દેશોમાં આંતરરાષ્ટ્રીય મુસાફરી
નવા પાસપોર્ટના આધારે આરોપીએ ભૂટાન અને નેપાળના રસ્તે બેંગકોક, સિંગાપોર, મલેશિયા અને દુબઈ જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો હતો તથા લાંબો સમય દુબઈમાં પણ રોકાયો હતો. આરોપી ફરીથી કોઈ નાણાકીય ફ્રોડ કરવાની ફિરાકમાં હતો, ત્યારે જ ATSને બાતમી મળતા તેને દબોચી લેવાયો છે.
જે PI સાથે ફોટો પડાવ્યા હતા તેમણે જ દબોચ્યો
આ કેસમાં રસપ્રદ વાત એ સામે આવી છે કે, આશરે 8 મહિના પહેલાં હરિકેશ પટેલે એક ઈવેન્ટ દરમિયાન 4 PI સાથે ફોટો પડાવ્યા હતા. તે 4 અધિકારીઓમાંથી જ 2 PI (જે. પી. રોજીયા અને બી. એચ. કોરોટ) ની ટીમે તેને સ્કેન કરીને ઝડપી પાડ્યો છે.
અગાઉના ગુના અને બોગસ કંપનીઓ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હરિકેશ પટેલ વિરુદ્ધ અગાઉ 2022માં નારણપુરા પોલીસ સ્ટેશનમાં અને 2023માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડી અને સાયબર ફ્રોડના ગુના નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદમાં તેના નામે શાહીબાગ અને સાયન્સ સિટીમાં મકાનો તેમજ અનેક શેલ (ફરજી) કંપનીઓ રજિસ્ટર્ડ હોવાનું પણ બહાર આવ્યું છે.
ATS દ્વારા સમગ્ર મામલે BNS ની વિવિધ કલમો અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા ED ને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.