અમદાવાદ ગેરેજ માલિકો માટે નવો આદેશ: વાહન રિપેરિંગ-સર્વિસિંગમાં CCTV અને ID પ્રૂફ ફરજિયાત, જાણો વિગત

by Bansari Bhavsar

અમદાવાદ શહેરમાં સતત વધતી વસ્તી ગીચતા, ચોરી, લૂંટ, ધાડ અને સ્નેચિંગ જેવા ગુનાઓ પર અંકુશ મેળવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચોરીના વાહનો અથવા તો વાહનોમાં મોડિફિકેશન કરીને ઉપયોગ થતો અટકાવવા માટે તમામ ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનો માટે નવા નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે.

​શું છે નવા નિયમો?

​૧. ફરજિયાત રજિસ્ટર નિભાવવું:

તમામ ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનના માલિકો/મેનેજરે રિપેરિંગ કે વેચાણ અર્થે આવતા વાહનોનું એક ખાસ રજિસ્ટર બનાવવું પડશે. જેમાં વાહનનો પ્રકાર, કંપનીનું નામ, રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર, ચેસિસ નંબર, વાહન માલિક/ઉપયોગકર્તાનું નામ-સરનામું, આઈ.ડી. પ્રૂફ અને મોબાઈલ નંબરની નોંધણી કરવી ફરજિયાત રહેશે.

​૨. CCTV કેમેરા ફરજિયાત:

ગેરેજ અને સર્વિસ સ્ટેશનના એન્ટ્રી તથા એક્ઝિટ ગેટ પર CCTV કેમેરા લગાવવાના રહેશે, જેનું ઓછામાં ઓછું ૩૦ દિવસનું રિકોર્ડિંગ જાળવી રાખવું પડશે.

​૩. પોલીસ ચેકિંગ વખતે દસ્તાવેજો દર્શાવવા:

જ્યારે પણ પોલીસ અધિકારીઓ તપાસ અર્થે આવે ત્યારે આ રજિસ્ટર અને વાહન સંબંધિત જરૂરી દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે.

​અમલવારીનો સમયગાળો

​આ જાહેરનામું ૨ ઓક્ટોબર ૨૦૨૬ થી ૩૦ નવેમ્બર ૨૦૨૬ (૬૦ દિવસ) સુધી સમગ્ર અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં અમલમાં રહેશે.

​નિયમભંગ બદલ કડક કાર્યવાહી

​આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી તથા ફરિયાદ નોંધવામાં આવશે. Unarmed હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓને આ અંગેની કાર્યવાહી કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

Related Posts