અમદાવાદમાં રાત્રે વોક પર નીકળતા નાગરિકોને લક્ષ્ય બનાવતી સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ: ૧૫ મોબાઇલ સાથે ૩ ઝડપાયા

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરના જાહેર માર્ગો પરથી રાત્રિના સમયે ચોરી તથા મોબાઇલ સ્નેચિંગ કરી, તે સ્માર્ટફોનમાં સંગ્રહિત બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને ઓનલાઇન શોપિંગ કરતી એક શાતિર ગેંગનો અમદાવાદ શહેર એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ઝોન-૮ ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે ૩ આરોપીઓની ધરપકડ કરી રૂ. ૪.૬૬ લાખથી વધુની કિંમતના ૧૫ ચોરાઉ મોબાઇલ ફોન તથા ગુનામાં વપરાયેલા બે ટુ-વ્હીલર જપ્ત કર્યા છે.

​વોક પર નીકળતા લોકોને બનાવતા ટાર્ગેટ

​છેલ્લા દોઢેક મહિનાથી ઝોન-૮ વિસ્તારમાં રાત્રિના સમયે વોકિંગ માટે નીકળતા નાગરિકોને લક્ષ્ય બનાવી સ્નેચિંગની ઘટનાઓ સામે આવી રહી હતી. આરોપીઓ સફેદ રંગના બર્ગમેન તથા કાળા રંગના સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર આવી, તક મળતા જ રાહદારીઓના હાથમાંથી મોબાઇલ આંચકીને ફરાર થઇ જતા હતા.

​સ્નેચિંગ બાદ એપ્લિકેશનથી ઓનલાઇન ખરીદી

​તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ માત્ર ફોન ચોરીને અટકતા ન હતા, પરંતુ લૂંટેલા ફોનમાં ખુલ્લા રહેલા બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ વિગતોનો ઉપયોગ કરીને ‘Flipkart Minutes’ જેવી એપ્સ દ્વારા કરિયાણું, દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ અને અન્ય સામાન ઓનલાઇન મંગાવી લેતા હતા.

​સીસીટીવી અને બાતમીના આધારે કાર્યવાહી

​મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી LCB ઝોન-૮ના પી.આઈ./પી.એસ.આઈ. પી.આર. સરવૈયા અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળોના સીસીટીવી ફૂટેજ ચકાસતા અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળતા માલૂમ પડ્યું કે સીસીટીવીમાં દેખાતા શંકાસ્પદ ઇસમો ન્યૂ મણિનગરથી વસ્ત્રાલ આર.ટી.ઓ. રોડ તરફ અવારનવાર અવરજવર કરે છે. જેના આધારે વોચ ગોઠવીને ત્રણેય ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.

​પકડાયેલા આરોપીઓ

​૧. હર્ષિલ જગદિશભાઇ વાઘેલા (ઉં.વ. ૧૯, રહે. વટવા, અમદાવાદ)

૨. મોહમદ શરીફ ઉર્ફે બાબુ મોહમદ અનિષ શેખ (ઉં.વ. ૨૦, રહે. વટવા, અમદાવાદ)

૩. શાહીદખાન ઉર્ફે સાહુ ઇમરાનખાન પઠાણ (ઉં.વ. ૧૯, રહે. વટવા, અમદાવાદ)

​આરોપી મોહમદ શરીફ અગાઉ પણ નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

​કબ્જે કરેલો મુદ્દામાલ અને ઉકેલાયેલા ગુના

​મોબાઇલ ફોન: અલગ-અલગ કંપનીના ૧૫ સ્માર્ટફોન (કિંમત રૂ. ૪,૬૬,૫૦૦/-)

​વાહનો: એક બર્ગમેન સ્કૂટર અને એક સ્પ્લેન્ડર બાઇક (કિંમત રૂ. ૮૦,૦૦૦/-)

​કુલ મુદ્દામાલ: રૂ. ૫,૪૬,૫૦૦/-

​આ સફળ કામગીરીથી રામોલ, નારોલ, ઇસનપુર અને મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ ૭ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

Related Posts