અમદાવાદમાં નવરાત્રિ આયોજનો માટે નવી ગાઇડલાઇન: ટ્રાફિક, CCTV અને મહિલા સુરક્ષા અંગે પોલીસના કડક આદેશો

by Bansari Bhavsar

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી (શાહીબાગ) દ્વારા આગામી નવરાત્રિ મહોત્સવ દરમિયાન શેરીઓ, સોસાયટીઓ, ક્લબ અને પાર્ટી પ્લોટમાં રાસ-ગરબાના આયોજન અંગે વિશેષ યાદી અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તારીખ ૧૧/૧૦/૨૦૨૫ થી ૨૦/૧૦/૨૦૨૫ સુધી યોજાનાર આ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત દ્વારા કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

​મુખ્ય નિયમો અને માર્ગદર્શિકાઓ:

​સુરક્ષા અને સુપરવિઝન:

​ગરબાના સ્થળે લોકો અને મહિલાઓની સુરક્ષા, ટ્રાફિક જાળવણી તથા નશાકારક પદાર્થોનું સેવન કરેલ વ્યક્તિઓ પ્રવેશ ન કરે તે માટે આયોજકોએ ફરજિયાત બે (૨) જવાબદાર વ્યક્તિઓની નિમણૂક કરવાની રહેશે.

​સ્થાનિક પોલીસ સ્ટેશનના એક અધિકારી/કર્મચારીને મેન્ટર તરીકે નીમવામાં આવશે જેથી યોગ્ય સંકલન જાળવી શકાય.

​લાઉડસ્પીકર અને સાઉન્ડ સિસ્ટમની પરવાનગી:

​ટિકિટ કે પાસ વગરના નાના આયોજનો માટે સ્થાનિક પોલીસ સ્ટેશનથી સાઉન્ડ સિસ્ટમની મંજૂરી મળશે.

​ટિકિટ/પાસ ધરાવતા પાર્ટી પ્લોટ અને ક્લબ માટેની લાઉડસ્પીકર પરવાનગી માત્ર સંયુક્ત પોલીસ કમિશનરશ્રી (ટ્રાફિક)ની કચેરીથી જ આપવામાં આવશે.

​સાઉન્ડ સિસ્ટમના માલિક અને આયોજકે નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) રૂલ્સ-૨૦૦૦નું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

​પ્રવેશ, પાર્કિંગ અને સીસીટીવી (CCTV) વ્યવસ્થા:

​ગરબા સ્થળથી ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં ટ્રાફિક જામ કે અડચણરૂપ પાર્કિંગ ન થાય તેની જવાબદારી આયોજકોની રહેશે.

​પ્રવેશ (Entry) અને બહાર નીકળવાના (Exit) ગેટ અલગ રાખવા અને માર્કિંગ કરવું.

​ગરબા સ્થળે અને પાર્કિંગમાં પૂરતી સંખ્યામાં HD / AI આધારિત CCTV કેમેરા ગોઠવવા ફરજિયાત છે.

​ચેકિંગ અને કટોકટીની સુવિધાઓ:

​પ્રવેશદ્વાર પર ડોર ફ્રેમ/હેન્ડ મેટલ ડિટેક્ટર, સિક્યુરિટી સ્ટાફ અને બ્રેથ એનાલાઈઝર (Breath Analyzer) રાખવાના રહેશે.

​સ્થળ પર એમ્બ્યુલન્સ, પ્રાથમિક સારવાર (First Aid), ફાયર સેફ્ટીના સાધનો અને ઈમરજન્સી ગેટની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે.

​દિવ્યાંગો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે રેમ્પ, વ્હીલચેર અને વિશેષ પાર્કિંગ પ્રાથમિકતાના ધોરણે ફાળવવાનું રહેશે.

​મહિલા સુરક્ષા માટે SHE Team:

​મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આયોજકોએ પોલીસની SHE Team સાથે સંકલન જાળવવાનું રહેશે.

​અન્ય અગત્યની બાબતો:

​ફૂડ સ્ટોલ ધારકો પાસે FSSAI લાયસન્સ/રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે.

​જાહેર સુરૂચિનો ભંગ થાય કે ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

​સ્થળની ક્ષમતા કરતાં વધુ ટિકિટ કે પાસનું વેચાણ કરવું નહીં.

​ગરબાના આયોજન સ્થળે જનજાગૃતિના હેતુથી “રોડ સેફ્ટી એન્થમ” વગાડવાની વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે.

​અમદાવાદ પોલીસ દ્વારા તમામ ગરબા આયોજકો અને વ્યવસ્થાપકોને આ તમામ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

Related Posts