અમદાવાદ:
શહેરમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે નિકોલ વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ સાયબર ઠગોનો શિકાર બન્યા છે. ‘BOI PAN CARD UPDATE.apk’ નામે નકલી ફાઈલ મોકલી મોબાઈલ ફોનનો એક્સેસ મેળવીને સાયબર ગુનેગારોએ બેંક એકાઉન્ટમાંથી રૂ. ૫,૧૯,૫૦૬/- સેરવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, નિકોલ ખાતે એસ.પી. રિંગ રોડ પાસે આવેલા ભક્તિરાજ બંગ્લોઝમાં રહેતા ખુશાલસિંહ ખેમસિંહ રાજપૂત (ઉં.વ. ૬૫) ના વોટ્સએપ પર ગત તા. ૦૩/૦૬/૨૦૨૬ થી તા. ૦૪/૦૬/૨૦૨૬ દરમિયાન અજાણ્યા નંબર +91 7090229049 પરથી એક મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં બેંક ઓફ ઈન્ડિયા (BOI) નું પેન કાર્ડ અપડેટ કરવાના બહાને ‘BOI PAN CARD UPDATE.apk’ નામની એપ્લિકેશન ફાઈલ મોકલવામાં આવી હતી.
ખુશાલસિંહે વિશ્વાસ રાખીને આ ફાઈલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરતાં જ સામેવાળી અજાણી વ્યક્તિએ તેમના મોબાઈલ ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ઠગબાજોએ તેમના બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી જુદા-જુદા પાંચ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ. ૫,૧૯,૫૦૬/- અનધિકૃત રીતે ટ્રાન્સફર કરી લીધા હતા.
પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ખુશાલસિંહે તા. ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધાવી છે. હાલ આ ગુનાની આગળની વધુ તપાસ સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી.એચ. મકવાણા ચલાવી રહ્યા છે.
સાવચેતીનો સંદેશ:
કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતી APK ફાઈલ કે અનધિકૃત લિંક ડાઉનલોડ ન કરવી. બેંક ક્યારેય વોટ્સએપ કે થર્ડ-પાર્ટી એપ્લિકેશન દ્વારા પેન કે કેવાયસી (KYC) અપડેટ કરવાની માંગણી કરતી નથી.