અમદાવાદ: શહેરમાં મુસાફરોને ઓટો રિક્ષામાં બેસાડીને નજર ચૂકવીને ખિસ્સામાંથી રોકડ નાણાં સેરવી લેતી એક સક્રિય ગેંગને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ તેમજ રિક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કુલ ૧૦ જેટલા અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
ઘટનાની વિગત અને પકડાયેલ આરોપીઓ
અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નારોલ-લાંભા રોડ પર આવેલા શ્રીજી કોમ્પલેક્ષ પાસેના ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો શંકાસ્પદ હાલતમાં હાજર છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને નીચે મુજબના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા:
ઉમેશ ઉર્ફે કબુતર મોહનભાઈ સોનાજી વણઝારા (ઉ.વ.૨૫, રહે. ઇન્દિરા નગર, લાંભા)
સુમિત ઉર્ફે વિકાસ ઉર્ફે બાબા ઉર્ફે કાળીયો જીતુભાઈ કાલીદાસ ભીલ (ઉ.વ.૨૦, રહે. નારોલ ગામ)
રવિ જાનકીપ્રસાદ નન્નાભાઈ શર્મા (ઉ.વ.૩૪, રહે. ઇન્દિરાનગર, લાંભા)
ભરત રાજેશભાઈ ગોપાલજી યાદવ (ઉ.વ.૨૦, રહે. ઇન્દિરાનગર, લાંભા)
જપ્ત કરાયેલ મુદ્દામાલ
પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાતી ઓટો રિક્ષા, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ ૧,૪૬,૫૦૦ રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો છે:
રોકડ નાણાં
મોબાઇલ ફોન (નંગ-૦૪) – કિંમત રૂ. ૩૦,૫૦૦
ઓટો રીક્ષા – કિંમત રૂ. ૧,૦૦,૦૦૦
રીક્ષામાં બેસાડીને અવનવી કિમુતોથી કરતા ચોરી
આરોપીઓની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે તેઓ રિક્ષામાં પેસેન્જર તરીકે ભોળા નાગરિકોને બેસાડતા હતા. મુસાફરને આગળ ડ્રાઇવરની બાજુમાં બેસાડી સરખા બેસવાનું કહીને અથવા વાતોમાં ફસાવીને તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા સેરવી લેતા હતા. આ ગેંગ દ્વારા સાણંદ ચોકડી, નારોલ સર્કલ, અસલાલી, ઇસનપુર અને ઘોડાસર જેવા વિસ્તારોમાં અગાઉ અનેક ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હોવાની કબૂલાત કરવામાં આવી છે.
આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ નારોલ, દાણીલીમડા, ઇસનપુર અને ચાંગોદર સહિતના પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ અર્થે ઇસનપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.