અમદાવાદ:
નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબા રમીને મોડી રાત્રે એકલ-દોકલ ઘરે પરત ફરતી મહિલાઓને ટાર્ગેટ બનાવતી કુખ્યાત સ્નેચિંગ ગેંગ પર અમદાવાદ શહેર પોલીસની એલ.સી.બી. ઝોન-૭ ની ટીમે સપાટો બોલાવ્યો છે. પોલીસે બાતમીના આધારે જુહાપુરા વિસ્તારના બે તસ્કરોને ઝડપી પાડી વસ્ત્રાપુર અને પાલડી પોલીસ સ્ટેશનના પર્સ સ્નેચિંગના બે ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
સ્પેશિયલ ‘સેફ પેસેજ’ એક્શન પ્લાન અને પોલીસની સતર્કતા
શહેરમાં નાગરિકો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ કમિશનરશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી (સેક્ટર-૧) નાઓના માર્ગદર્શન હેઠળ મજબૂત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. આ સૂચનાના પગલે નાયબ પોલીસ કમિશનર (ઝોન-૭) શ્રી શિવમ વર્મા સાહેબે ગરબા સ્થળો અને રસ્તાઓ પર મહિલાઓની સુરક્ષા માટે વિશેષ ‘સેફ પેસેજ’ એક્શન પ્લાન અમલમાં મૂક્યો હતો.
ડાર્ક સ્પોટ્સ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને એલ.સી.બી. ઝોન-૭ ની ટીમને સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવાના આદેશ અપાયા હતા.
બાતમીના આધારે પાલડી વિસ્તારમાંથી આરોપીઓ ઝડપાયા
આ અભિયાન દરમિયાન LCB ઝોન-૭ ના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.ડી. વાઘેલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જયરાજદાન અને ચંદુકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાલડી વિસ્તારમાંથી મહિલાઓના પર્સ આંચકીને નાસી છૂટતી જુહાપુરાની તસ્કર જોડીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પકડાયેલ આરોપીઓની વિગત:
૧. ઝુબેર અકબરભાઈ વોરા (ઉંમર વર્ષ: ૨૭, રહે. જુહાપુરા, વેજલપુર, અમદાવાદ)
૨. એઝાજખાન મહેમુદખાન પઠાણ (ઉંમર વર્ષ: ૩૬, રહે. જુહાપુરા, વેજલપુર, અમદાવાદ)
કબજે કરાયેલ મુદ્દામાલ અને ડિટેક્ટ થયેલા ગુનાઓ
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૧,૮૦,૦૦૦ રૂપિયા ની કિંમતનો શંકાસ્પદ અને ચોરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
એપલ કંપનીના બે આઈફોન (કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/-)
બર્ગમેન બાઇક (નંબર: GJ-01-YK-5326) (કિંમત રૂપિયા ૮૦,૦૦૦/-)
આ સાથે પોલીસે નીચે મુજબના બે ગુનાઓ સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે:
૧. પાલડી પોલીસ સ્ટેશન: ધી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૪(૨), ૫૪ મુજબ
૨. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન: ધી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૪(૨) મુજબ
આ સફળ કામગીરી કરનાર LCB ઝોન-૭ ના PSI એચ.ડી. વાઘેલા તથા તેમની સ્ટાફની સરાહનીય કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.